લુણવામા વીજ કંપનીનો 70 હજારના કેબલની તસ્કરી

ભચાઉ તાલુકાના લુણવા ગામની સીમમાં આવેલા ખેતરમાં જતો પીજીવીસીએલ કંપનીનો રૂ.70 હજારનો કેબલ તસ્કરી થયો હોવાની ફરિયાદ ખેડૂતની અરજી પછી તપાસના અંતે નાયબ ઇજનેરે દાખલ કરાવી હતી, તો રાપરના સેલારી પાસેની કેનાલમાં વન વિભાગની રૂ.50,000 ની ઇલેક્ટ્રીક મોટર અને રૂ.7 હજારનો કેબલ ચોર ઉપાડી ગયા હોવની ઘટના દાખલ કરાવાઈ છે.

મુળ અરવલ્લીના હાલમાં ભચાઉ રહેતા અને પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ઓમપ્રકાશ હરિસિંહ પરમારે દાખલ કરાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મોટી ચીરઇના રઘુવિરસીંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉ પીજીવીસીએલમાં અરજી કરી હતી કે, તેમના લુણવા સીમમાં આવેલા ખેતર માટે ખેતી વિષયક કનેકશન માટે માગણી કરી હતી જેમાં ખેતરની બાજુમાં ડીપી સુધી લાગેલા તાર તસ્કરી થયા છે તેવી જાણ કરવામાં આવી હતી. તેમની અરજી બાદ તપાસ કરી તો લુણવાના ખેતર પાસેની ડીપી થી 11 કેવી ચોપડવા એ.જી.ફીડર સુધીમાં નવી લાઇનના થાંભલા પર ત્રણ વીજ કેબલ જોવામાં આવ્યા ન હતા.

કુલ 22 ગાળામાં વીજ કેબલની તસ્કરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે ઉપરી અધિકારી સાથે વાતચીત કર્યા પછી તેમણે પહેલા કોઇપણ સમયે લુણવા થી ચોપડવા 11 કેવી એજી ફીડર સુધીમાં રૂ.70,000 ની કિંમતનો 2,970 મીટર કેબલ કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. તેમની ફરિયાદના આધારે પીએસઆઇ રેખાબેન સિસોદિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

તો રાપર ફોરેસ્ટ કોલોનીમાં રહેતા રાપર વાઇલ્ડ લાઇફ દક્ષિણ રેન્જના વન રક્ષક જહાન્વીબેન વિનુભાઇ ચૌધરીએ દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીની ઘટના સાંજે 4 વાગ્યા થી સવારે 8 વાગ્યા દરમિયાન થઇ છે, જેમાં સેલારી કેનાલ પર સેલારી નર્સરીમાં ઝાડવાને પાણી પીવડાવવા માટે રાખેલી રૂ.50,000 ની કિંમતની ઇલેક્ટ્રીક મોટર ઉપરાંત રૂ.7,000 ની કિંમતનો 70 મીટર કેબલ મળી કુલ રૂ.57,000 ની મત્તાની ચોદરીને કોઇ અજાણ્યા શખ્સો અંજામ આપી ગયા હોવાની જાણ થતાં ઉપર અધીકારી સાથે ચર્ચા કર્યા પછી આ બાબતે તેમણે રાપર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પીએસઆઇ જી.બી.માજીરાણાએ વધુ તપાસ હાથ ધરી છે.