મીઠીરોહર જીઆઇડીસીમાં કંપનીનો 5.89 લાખનો સામાનની કરાઇ તસ્કરી

મીઠીરોહર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ઘૂસેલા ચોરે અલગ અલગ સાઇઝના પાઇપ, પ્લેટો અને સબ મર્શિબલ પમ્પ સહિત કુલ રૂ.5.89 લાખનો સામાન તસ્કરી કરી હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરાવી છે.

મુળ ખંભાતના હાલમાં ગાંધીધામ રહેતા અને સ્ટર્લિંગ એન્ડ પ્રા.લિ.કંપનીમાં સાઇટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા નેહલ અશોકકુમાર શાહે દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપની ફેબ્રિકેશન અને કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને હાલે મીઠીરોહર જીઆઇડીસી મધ્યે આવેલી હોવે એન્જિનિયરિંગ કંપનીનું કામ ચાલુમાં છે. આ હોવે એન્જિનિયરિંગ કંપનીની ફરતે અડધામાં ફેન્સિંગ અને અંદરના ભાગમાં બાઉન્ડ્રી વોલ છે તેમાં પાઇપ તેમજ બીજો સ્ટીલનો સામાન અને ઇલેકટ્રીકનો સરસામાન રાખેલો છે. આ સામાનની સિક્યુરિટીનું કામ ચેકમેટ સિક્યુરિટી કંપનીને આપેલું છે.

આ કંપનીમાંથી રાત્રે 8 વાગ્યે કામ પુર્ણ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે 9 વાગ્યે તેઓ કંપનીએ ગયા ત્યારે અમુક સામાન જોવા મળ્યો હતો નહિ. તપાસ કરતાં જુદી જુદી સાઇઝના પાઇપ્સ, સ્ટ્રક્ચર સ્ટીલ , એન્ગલ્સ, પ્લેટો અને સબ મર્શિબલ પમ્પના બેઝ સહિત કુલ રૂ.5,89,536 નો સામાન તસ્કરી થયો હોવાનો ખ્યાલ આવતાં તેમણે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પીએસઆઇ કે.જે.વાઢેરે વધુ તપાસ હાથ ધરી છે.