બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ કાર્ટિજ-ઇન્કનું વેચાણ કરતાં બે વેપારી પકડાયા

કમ્પ્યૂટરના સ્પેરપાર્ટ્સની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીની નકલી કાર્ટિજ અને ડુપ્લિકેટ સહીનું વેચાણ કરતા બે શખ્સોની સયાજીગંજ પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે. સયાજીગંજ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સી31 કન્સલ્ટન્ટ ઇન્ડિયા, દિલ્હી મધ્યે ઓપરેશન મેનેજર મુજીબ હસરતઅલી ખાનને બે મહિના પૂર્વે ખબર પડી હતી કે, વડોદરામાં કેટલાક વેપારી કમ્પ્યૂટરમાં વપરાતી કાર્ટિજ અને સહીના નકલી માલનો વેપાર કરે છે. મુજીબ ખાનની ફરિયાદના આધારે સયાજીગંજના પીઆઈ આર.જી. જાડેજાએ ટીમ સાથે બે વેપારીઓને ત્યાં દરોડો પાડ્યો હતો.

સયાજીગંજના ફોનિક્સ કોમ્પ્લેક્સમાં કેનન કંપનીની નકલી કાર્ટિજ અને ઇન્કનું વેચાણ કરતા બે દુકાનદારોને પકડી પાડ્યા હતા. પોલીસે કંપનીના અધિકારી પાસે નકલી માલની ખરાઈ પણ કરાવી હતી. પોલીસે ઝડપેલા દુકાનદારોમાં રામદેવ કમ્પ્યૂટર્સ પ્રિન્ટર્સ નામની દુકાનના સંચાલક પુખરાજ વિલારામ પટેલ વાઘોડિયા રોડ અને કરિશ્મા ઇન્ફોટેકના અશોક દિલીપભાઈ રાણા (પરશુરામ ભઠ્ઠો, સયાજીગંજ)નો સમાવેશ થાય છે. પોલીસે 20 હજારના એનપીજી ટોનર તથા ઇન્ક જપ્ત કર્યા હતા. બંનેની દુકાનો સયાજીગંજ ફોનિક્સ કોમ્પ્લેક્સમાં આવેલી છે. બંને પાસેથી 20 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જેમાં બે ટોનર, સહીની 3 બોટલનો સમાવેશ થાય છે. કંપનીના અધિકારીએ જણાવ્યું કે, બંને વેપારી કંપનીના અસલ માલની કિંમતે નકલી માલ વેચતા હતા.