અમદાવાદ કાંકરિયા પબ્લિક સ્કૂલમાંથી કોમ્પ્યૂટર સહિત 1 લાખની તસ્કરી


કાંકરિયા પબ્લિક સ્કૂલની સાયન્સ લેબોરેટરીમાં કોઈ અજાણ્યો ઈસમ પ્રવેશી કોમ્પ્યૂટર સહિત કુલ રૂ.1 લાખની મતાની તસ્કરી કરી પલાયન થઈ ગયો હતો. આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરીવધુ તપાસ શરૂ કરી છે.
વેજલપુરમાં રહેતા અને કાંકરિયાની ગુજરાતી શાળાના પ્રિન્સિપાલ નીતાબેન ભદ્રેશા ઘરે હતા, તે દરમિયાન તેમની અંગ્રેજી સ્કૂલના પ્રિન્સિપાલ વૈશાલીબેનનો ફોન આવ્યો કે, સ્કૂલની સાયન્સ લેબોરેટરીમાં તસ્કરી થઈ છે. જેથી નીતાબેને તાત્કાલિક સ્કૂલે પહોંચી તપાસ કરતાં જણાયું કે, રાતના સમયે કોઈ અજાણ્યા ઇસમે સ્કૂલનો દરવાજો ખોલી લેબોરેટરીમાં ઘૂસીને કોમ્પ્યૂટરની એલઈડી, સીપીયુ, માઉસ, પ્રોજેક્ટર, સ્પીકર, માઈક, લોખંડની ટ્રોલી સહિત રૂ.1 લાખની મતાની તસ્કરી કરી હતી. આ બાબતે નીતાબેને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.