અમદાવાદમાં પોતાના બાળકને સ્કૂલમાં બેસાડી મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાને BRTS બસે કચડતા મોત: અકસ્માત સર્જી ડ્રાઈવર પલાયન

અમદાવાદમા પોતાના બાળકને સ્કૂલમાં બેસાડીને મોર્નિંગ વોક પર નીકળેલી નરોડાની મહિલા BRTS બસે રિવર્સ લેતા કચડી હતી. મહિલાને ગંભીર ઇજા પહોચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેના લીધે બસનો ડ્રાઈવર નાસી ગયો હતો તો હાલ બસના ડ્રાઈવરની અટકાયત માટે પોલીસે પ્રયત્નો શરૂ કર્યા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પતિ-પત્ની અને બાળક રહેતું હતું. જ્યારે પત્ની પ્રાચીબેન તેમની દીકરીને સ્કૂલવાનમાં મુકવા માટે ઘરની નીચે ગયા ત્યારપછી તેઓ મોર્નિંગ વોક માટે બીઆરટીએસ ટ્રેકમાં જઈ રહ્યા હતા. તે સમયે અચાનક બીઆરટીએસ બસને રિવર્સ લેતા તેમનો અકસ્માત થયો હતો. આ બનાવ બનતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હોબાળો મચાવ્યો હતો.

અકસ્માતની ઘટના બંતા બીઆરટીએસ બસનો ચાલક બસ મુકીને ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રાચીબેનને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે પ્રાચીબેનને મૃત ઘોષિત કર્યા હતા. આ અંગે મૃતકના પતિ વિનોદકુમારે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બીઆરટીએસના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રાચીબેનના મોતનો જવાબદાર આરોપી બસ ડ્રાઈવરને ઝડપવા માટે ટ્રાફિક પોલીસે પ્રયત્નો શરૂ કર્યા છે. જ્યારે આ વિસ્તારના નજીકના સીસીટીવી ફૂટેજ તપાસવાની પણ શરૂઆત પોલીસ દ્વારા કરાઈ રહી છે.