જામનગરમાં કાર ચાલકે બેદરકારીથી ડ્રાઈવીંગ કરી ત્રણ લોકોને ટક્કરે લીધા, ગંભીર રીતે ઇજા પામેલ મહિલાને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા


જામનગર શહેરમાં બે દિવસ પૂર્વે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક કાર ચાલકે એક મહિલા સહિત ત્રણ લોકોને ઠોકરે લીધા હતા. આ અકસ્માતમાં સ્કૂટર સવાર મહિલાને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યા મહિલાને ડોક્ટરે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારે હાલ આ મામલે કાર ચાલકને પકડી પાડવાની માગ સાથે એસપીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ અકસ્માતની વિગત અનુસાર તૃષાબેન નામની મહિલા એક્ટિવા લઈ બાળકને લઈ ટ્યુશન ક્લાસેથી લેવા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન પૂર પાટે આવેલા કારના ચાલકે મહિલાને જોરદાર ઠોકર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે ઠોકરે લેતા મહિલા પાંચથી છ ફૂટ જેટલા ઉછળીને રોડ પર પટકાયા હતા. જેથી તેઓને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે પ્રથમ જી.જી હોસ્પિટલ તથા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા ડોક્ટરે તેઓને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બીજી બાજુ કાર ચાલક અકસ્માત સર્જી પલાયન થઈ ગયો હતો.
કાર ચાલકે પૂર પાટે ચલાવી અને અંબર ચોકડી નજીક ત્રણ લોકોને ઠોકરે લીધા હતા. વિક્ટોરિયા પૂલ પાસે એક્ટિવા પર જઈ રહેલી મહિલાને ઠોકરે લીધા હતા. આ અકસ્માતમાં મહિલાને ઠોકર વાગતા મહિલા હવામાં પાંચથી સાત ફૂટ ઉછળી ગઈ હતી. ત્યાર પછી કારના બોનેટ પર પછડાટ ખાઈ રોડ પટકાયા હતા. જેથી ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક પલાયન થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે રાત્રે ખાનગી હોસ્પિટલમાં મહિલાના પરિવારનું નિવેદન લેવાયુ હતું.
મહિલા તૃષાબેનના પરિવારમાં ત્રણ લોકો છે અને પાંચ વર્ષનો બાળક છે. પરિવારના જણાવ્યાં અનુસાર તૃષાબેન પોતાના બાળકને ટ્યુશન ક્લાસમાંથી લેવા માટે જતાં હતા તે દરમિયાન વિક્ટોરિયા પુલ નજીક અકસ્માત થયો હતો.
આ બનાવને પગલે ભોઈ સમાજના આગેવાનોએ એસપીને આવેદનપત્ર પાઠવી કાર ચાલકને પકડવાની માગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તૃષાબેન પોતાનું વાહન લઈ ગુલાબનગર તરફ જતા હતા ત્યારે સુભાષ બ્રિજ પાસે પહોંચતા કાર નંGJ 10 BR 4561ના ચાલકે પોતાની કાર બેદરકારીથી હંકારી તૃષાબેનના વાહન સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેથી તૃષાબહેનને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક પલાયન થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે મોટરકાર નંબર GJ-10BR- 4561ના ચાલક સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.