કડોદરાથી રીક્ષા ચોરી કરી નાસેલા 2 તાસકરને પાનોલી પોલીસે ઝડપી પાડી રૂ. 1.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પાનોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાકરોલ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સુરતના કડોદરાથી રીક્ષાની ચોરી કરી નાસેલા 2 ચોરોને પાનોલી પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે તેમના સામે સી.આર. પી.સી 41(1) ડી અનુસાર કાર્યવાહી કરી કડોદરા પોલીસને જાણ કરી હતી.
અંકલેશ્વરમાં તાજેતરમાં જ કાર્યરત થયેલા પાનોલી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એમ.એચ.વાઢેર તથા તેમની ટીમ બાકરોલ બ્રિજ પાસે વાહન ચેકિંગ કરતી હતી તે દરમિયાન સુરત તરફથી પૂરપાટે આવતી રીક્ષાને રોકી હતી. જેના રીક્ષા ચાલક પાસે રીક્ષાના જરૂરી દસ્તાવેજો અને પુરાવા માંગતા તે ગલ્લા-તલ્લા કરવા માંડ્યો હતો.જે આધારે પોલીસને આશંકા જતા પોલીસ પોકેટ ડાયરી વડે રીક્ષા આર.ટી.ઓ નંબર અને ચેચિસ નંબર આધારે ચેક કરતા રીક્ષા સુરત કડોદરા વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું.
જેના આધારે પોલીસે રીક્ષા ચાલક રાહુલ અશોક ગામીત રહે. કઠોર, કામરેજ, સુરત અને રીક્ષામાં પાછળ બેસેલા મુસ્તુફાખાન ફકીર ખાન પઠાણ રહે. ભેસ્તાન, ડીંડોલી, સુરતની આકરી પૂછપરછ કરતાં રીક્ષા તેમણે કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાંથી મકાન નંબર 285 આગળથી ચતસ્કરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેના આધારે પાનોલી પોલીસે સી.આર.પી.સી 102 અનુસાર બંનેની ધરપકડ કરી તેમના સામે સી.આર.પી.સી. 41(1) ડી અનુસાર ચોરીની રીક્ષા કિંમત રૂ. 1.50 લાખ સાથે 2 મોબાઈલ રૂ. 4 હજાર મળી કુલ રૂ. 1.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.