ટંકારામાં રૂપિયા બાબતે 3 શખ્સોએ કુહાડી વડે કારમાં તોડફોડ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ


ટંકારાની લજાઈ ચોકડી નજીક બે અજાણ્યા શખ્સ સહીત ત્રણ શખ્શોએ એક યુવાન પાસેથી રૂપિયા મુદ્દે માથાકૂટ કરીને કુહાડી વડે કારના કાચ તોડી ગાળો આપી ધમકી આપવાની પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે.
ટંકારાના નસીતપર ગામના રહેવાસી પ્રકાશ રમેશભાઈ કુંડારિયા (ઉં.વ.32) નામના યુવાને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, આરોપી પંકજ દયારામ મસોત અને બે અજાણ્યા શખ્સોએ લજાઈ ચોકડી નજીક માથાકૂટ કરી હતી. જેમાં આરોપી પંકજ મસોતે ફરિયાદી પ્રકાશભાઈને રૂપિયા કેમ આપતો નથી કહીને હાથમાં કુહાડી વડે પ્રકાશભાઈની બ્રેજા કાર જીજે 36 એલ 0331 ગાડીના આગળના કાચમાં કુહાડી મારી ફોડી નાખી અને એક ઘા પાછળના કાચમાં મારી કાચ તોડી નાખ્યા હતા.
ઉપરાંત તેની સાથે આવેલ બે અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા વડે ડ્રાઈવર તરફના કાચ તોડી નાખી આરોપી પંકજ મસોતે ફરિયાદી પ્રકાશભાઈને ગાળો આપી તથા ફરિયાદી સાથે રહેલા રમેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આરોપી પંકજ દયારામ મસોત રહે લજાઈ તા. ટંકારા અને બે અજાણ્યા શખ્સો ત્રણ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.