ભચાઉના ખડીર તથા રાપર તાલુકામાં સ્ટારલીંક સેટેલાઇટ દેખાતાં લોકોમાં કૌતુક ફેલાયું


ખડીર સહિત રાપર તાલુકાના વિવિધ વિસ્તારોમાં શુક્રવારના રાત્રે 8 વાગ્યે આકાશમાંથી જળહળતી ટ્રેન પસાર થતાં મથલબ કે એલન મસ્ક દ્વારા મૂકાયેલી સ્ટારલીંકની સેટેલાઇટ દેખાતાં લોકોએ કૌતુક સાથે પોતાના સગા-સંબંધીઓને ફોન કરીને તે વિશેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, તો એક તબક્કે એલિયનના યાનની પણ અફવા ઉડી હતી.
એલન મસ્ક દ્વારા મૂકવામાં આવેલી સ્ટારલીંકની સેટેલાઇટ શુક્રવારે રાત્રિના 8 વાગ્યાના સમયગાળામાં ખડીર અને રાપર તાલુકાના આકાશમાં જળહળતી ટ્રેન પસાર થઇ હતી. જે સૌપ્રથમ ખડીરના અમરાપર બાજુ જોવા મળી હતી, જે લાકડાવાંઢ, ખોડિયારવાંઢ, નારણપર, મોટી રવ, રવેચી મંદિરથી કલ્યાણ પર સુધી જોવા મળી હતી, જેના લીધે લોકો પોતાના સગા સંબંધીઓને ફોન કરી આ બાબતે પૂછવા લાગ્યા હતા.
વધુમાં એલિયન જેવા યાનની પણ અફવા ઉડવા પામી હતી. લાકડાવાંઢનાં પૂર્વ સરપંચ નારણ ધરમશી કોલીએ જણાવ્યું હતું કે, પોણા આઠ વાગ્યાના સુમારે ખડીર બાજુથી ભારેખમ વાહન જેવડો પદાર્થ આકાશમાંથી ધીમે ધીમે સરકી રહ્યો હતો, જેમાં માત્ર તારા જેવી લાઈટો દેખાતી હતી. આ અંગે જાણવા મળ્યું હતું કે, એલન મસ્ક દ્વારા સ્ટારલીંક વાળી સેટેલાઇટ મૂકવામાં આવી છે.
આ પ્રકારની સેટેલાઇટ સરહદી વિસ્તારમાં જોવાં મળતા સુરક્ષા એજન્સીઓ પણ એક પ્રકારે સાબદી બની ગઈ હતી, જો કે, સેટેલાઇટ હોવાથી સંબંતિત તંત્રને પણ રાહત અનુભવી હતી. આકાશમાં જાણે કોઈ ચમકદાર ટ્રેન દોડી રહી હોય તેવું લાગી રહ્યું હતું અને આ નજારો અનેક લોકોએ પોતાના મોબાઇલ ફોનના કેમેરામાં કેદ કર્યો હતો. સ્ટારલીંક સેટેલાઇટનું કાર્ય દુરસ્થ વિસ્તારોને ઉપગ્રહ દ્વારા ઝડપી ઇન્ટરનેટ સાથે જોડવાનું છે.