ચૂંગી નાકા નજીક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: બાઇક સવાર માતાનું મોત, પુત્ર ગંભીરરીતે ઇજાગ્રસ્ત

ગાંધીધામના ચૂંગી નાકા પાસે પૂર ઝડપે જતા ટ્રેઇલર ચાલકે બાઇક ઠોકરે લેતાં બાઇક પર સવાર માતાનું ગંભીર ઇજાને લીધે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે તેમના પુત્રને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ગત મોડી રાત્રે બનેલા બનાવમાં એ-ડિવિઝન પોલીસ મથકે માત્ર જાણવા જોગ જ દાખલ કરાઇ હતી.
એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી જાણવા જોગમાંથી મળેલી માહિતી અનુસાર, ગળપાદરના શાંતિધામ મધ્યે રહેતા માતા પુત્ર બાઇક પર ચૂંગી નાકા પાસેથી પસાર થતા હતા તે દરમિયાન ત્યાંથી પૂર ઝડપે જઇ રહેલા ટ્રેઇલર ચાલકે બાઇકને ઠોકરે લેતાં 40 વર્ષીય માતા સુનિતાબેન ભગવાનપ્રસાદ શાહને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું, જ્યારે બાઇક ચલાવી રહેલા તેમના 24 વર્ષીય પુત્ર વિકાસ ભગવાનપ્રસાદ શાહને ગંભીર ઇજાઓ થઈ હતી તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગત રાત્રે બનેલ આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધી એ-ડિવિઝન પોલીસ મથકમાં માત્ર જાણવા જોગ નોંધાઇ હતી.