શીપમાં નોકરી કરતા બીલીમોરાનો યુવાન ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજયું

બીલીમોરામાં રહેતા અને શીપમાં નોકરી કરતા યુવાનનું દેસરા નજીક ટ્રેન અડફેટે આવી જતા  ગંભીર ઇજાને લીધે મૃત્યુ થયું હતું. યુવકનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રેલવે પોલીસે પીએમ કરી મૃતદેહને પરિવારને સોંપ્યો હતો. બીલીમોરાના શ્યામનગર-2માં રહેતા જીગર ભગવાનદાસ ટંડેલ (ઉ.વ. 35) શુક્રવારે સવારના 11 વાગ્યાના સમયગાળામાં બીલીમોરા રેલવે સ્ટેશને પશ્ચિમે દેસરા રેલવે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન સુરત તરફ ડાઉન લાઈન પરથી પસાર થતી ગુડ્સ ટ્રેનની અડફેટે આવ્યા હતા.

ટ્રેન અડફેટે તેમને હાથ, કમર તથા શરીરમાં ગંભીર ઇજા થઈ હતી. તેમને થયેલી ગંભીર ઇજાના લીધે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ ટ્રેનના ડ્રાઇવરે રેલવે પોલીસને કરી હતી. મૃતક પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનના આધારે તેની ઓળખ થતા પરિવારજનો તરત જ રેલવે આઉટ પોસ્ટ ચોકી પહોંચ્યાં હતા.

પોલીસે કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું પીએમ કરાવી પરિવારજનોને મૃતદેહ સોંપાયો હતો. મૃતક જીગર ટંડેલ શિપિંગ કંપનીમાં નોકરી કરતો હતો તેમના ઘરે તેઓ તેમની પત્ની અને માતા-પિતા સાથે રહેતા હતા. જીગરભાઈના મોતના કારણે પરિવાર સ્તબ્ધ બન્યો હતો અને પરિવારમાં શોક છવાઈ વળ્યું હતું.