યુવાને લિફ્ટના દરવાજાની એંગલ સાથે દોરી બાંધી આપઘાત કરતાં ચકચાર મચી

ઓલપાડના સાયણ ટાઉનમાં રહેતો ઉત્તરપ્રદેશનો શ્રમજીવી યુવાન કંપનીના ત્રીજા માળની લિફ્ટના દરવાજાની એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. સાયણ ટાઉનમાં પરપ્રાંતિ શ્રમજીવીઓ વસવાટ કરી રહ્યા છે. જો કે એક મહિનાથી સાયણ વિસ્તારમાં પરપ્રાંતિ શ્રમજીવીઓના શંકાસ્પદ મોત, મર્ડર ઘટનાઓની ઘણી ફરિયાદો ઓલપાડ પોલીસના ચોપડે દાખલ થયેલ છે. ત્યાં વળી સાયણમાં ફરી શંકાસ્પદ મોતની વધુ એક ઘટના બનતા પોલીસ માટે તપાસનો વિષય છે.

વિજય કેવટ (૨૨)મુળ ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જિલ્લાનો વતની હતો. તે હાલમાં સાયણ ટાઉનમાં સિવાણ રોડ, ગાંડાકાકાના પેટ્રોલ પંપ પાછળ, ગુરૂવારે ભરાતી બજાર પાસેના પ્લોટ-૧૯ થી ૨૩ માં આવેલ રાધે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેડ કંપનીના છઠ્ઠા માળની રૂમમાં રહી મજુરી કામ કરતો હતો. તેણે કંપનીના ત્રીજા માળની લિફ્ટના દરવાજાની એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

આ અંગે મૃતક યુવાનના સબંધી અશોક લલ્લુ પ્રસાદ કેવટે ઓલપાડ પોલીસમાં વિજય કેવટે અગમ્ય કારણસર ફાંસો ખાધો હોવાની જાણ કરી હતી.જેના પગલે ઘટના સ્થળે પહોંચેલ પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી સાયણ સરકારી દવાખાનામાં લાશનું પીએમ કરાવ્યું હતું.