વડોદરામાં રખડતા આખલાએ આધેડ પર હુમલો કરતાં  આધેડ લોહીલુહાણ: લોકોએ માંડ માંડ બચાવ્યા

વડોદરા શહેરના બાજવા સરકારી દવાખાના નજીક રહેતા આધેડ ઉપર સાંજે 6 વાગ્યાના સમયગાળામાં લડતા બે આંખલા પૈકી એક આખલાએ હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બાબુભાઈ ચૌહાણના પુત્રે જણાવ્યા અનુસાર તેમના પિતા નિવૃત્ત જીવન જીવે છે.

55 વર્ષની ઉંમરના બાબુભાઈ તેમને ત્યાં મહેમાન તરીકે આવેલા તેમના સ્વજનની સાથે બાઈક ઉપર પાછળ બેસીને નજીકમાં આવેલી છાણી તરફના રોડની ચાની લારીએ જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગમાં બે લડતા આખલાઓને જોઈને તેઓ બાઈક થોભાવી સાઈડ ઉપર ઊભા રહી ગયા હતા. આ દરમિયાન અચાનક એક તેમના ઉપર હુમલો કરી મોઢાના ભાગેમાં અને ગાલ ઉપર બે પગથી વારંવાર હુમલો કરી ઇજા કરી હતી. ઘટનાને પગલે સ્થાનિક દોડી આવ્યા હતા અને આધેડને માંડ માંડ આખલાથી બચાવ્યા હતા.

જ્યારે ઘટના જોઇ દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્ત બાબુભાઈને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો અનુસાર, બાજવા ગામમાં ઢોરવાડા આવેલા નથી, પરંતુ શહેરના સીમાડે હોવાથી વોર્ડ નંબર 8 અને 9ના પશુપાલકો તેમનાં પશુઓ બાજવા વિસ્તારમાં મૂકી જતાં હોય છે, જેને પગલે અવારનવાર આવા બનાવો બનતા હોય છે.

સ્માર્ટસિટીની વાતો કરતા શાસક ભાજપ 25 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા ભોગવે છે. રાજ્યમાં રસ્તે રખડતી ગાયોને લીધે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ છતાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે, પરંતુ એનો કોઇ અમલ કરાતો નથી. સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરોના માલિકો સામે ફરિયાદો પણ કરાઈ છે. જોકે રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.