હેલ્થ વિભાગનો આસિ. ઇજનેર રૂ.7500ની લાંચ રૂશ્વત લેતા ઝડપાયો

રાજકોટ લાંચ રુશ્વત વિરોધી શાખાએ દિવાળીના તહેવાર પછી જ હેલ્થ વિભાગના કરાર આધારિત પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા મનજી ભાણા લુવારને કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ પાસેથી સોમવારે રૂ.7500ની લાંચ લેતા રંગે હાથ પકડી લીધા છે.

રાજકોટ લાંચ રુશ્વત વિરોધી શાખાના પીઆઇ એ.આર.ગોહિલે ઘટનાની વિગત આપતા જણાવ્યું કે, રાજકોટ જિલ્લાના ગોંડલ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, જસદણ, વીંછિયા, જામકંડોરણા તાલુકામાં આવેલા આરોગ્ય કેન્દ્રોના પરચૂરણ સમારકામો 2017-18માં ફરિયાદીને રૂ.1 કરોડનો એન્યુઅલ રેન્ટ કોન્ટ્રાક્ટ પીઆઇયુ, ગાંધીનગર તરફથી મળ્યો હતો. જે કોન્ટ્રાક્ટ પછી ફરિયાદીએ અલગ અલગ જગ્યાએ કામો કર્યા હતા. જે કામોના ગેરી દ્વારા મટિરિયલ ટેસ્ટિંગ રિપોર્ટ આપ્યો હતો.

જે રિપોર્ટ પછી ફરિયાદીના બેંક ખાતામાં રકમ જમા કરવાના અને પહેલાના વહીવટની બાકી રહેલી રકમ મળી કુલ રૂ.15 હજારના લાંચની માગણી આરોપી મનજી લુવારે કરી હતી. જે રકમ બાબતે ફરિયાદી અને અધિકારી મનજી લુવાર સાથે વાટાઘાટાના અંતે રૂ.7500ની રકમ આપવાનું અને તે રકમ કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે દેવા આવવાનું કહ્યું હતું. જોકે કોન્ટ્રાક્ટર લાંચની રકમ દેવા માગતા ન હોવાથી રાજકોટ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે એસીબી સ્ટાફે કાલાવડ રોડ પર છટકું ગોઠવ્યું અને નક્કી થયા અનુસાર લાંચ લેવા આસિ. ઇજનેર મનજી લુવાર આવ્યા હતા. કોન્ટ્રાક્ટર અને અધિકારી વચ્ચે થોડી વાતચીત થયા પછી કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની રૂ.7500ની રકમ સ્વીકારી હતી. આ જ સમયે પેટ્રોલ પંપ પાસે ગોઠવાયેલા એસીબીના સ્ટાફે રકમ સ્વીકારતા સમયે લાંચિયા અધિકારી મનજી લુવારાને રંગે હાથ પકડી પાડ્યા હતા.