દહેગામ-બાયડ રોડ પરથી 3.41 લાખની સ્કોચ વ્હીસકીનાં જથ્થા સાથે એક આરોપી પકડાયો

દહેગામ બાયડ રોડ પરથી પોલીસે પૂર્વ બાતમીના આધારે છોટાહાથીમાં ગુપ્ત ખાનામાં છુપાવીને લઈ જવામાં આવતો રૂ. 3.41 લાખની કિંમતની 180 નંગ સ્કોચ વ્હીસકીનાં જથ્થા સાથે ઉદેપુરના ઈસમની અટકાયત કરી કુલ રૂ. 4.95 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

દહેગામ પોલીસ પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે, રખીયાલ બાજુથી એક છોટા હાથીમાં બનાવેલા ગુપ્તખાનામાં વિદેશીદારૂનો જથ્થો ભરી દહેગામ મધ્યેથી પસાર થવાનો છે. જેનાં પગલે દહેગામ બાયડ ત્રણ રસ્તા મધ્યે થોડા થોડા અંતરે વોચમાં પોલીસ ગોઠવાઈ હતી.

આ દરમ્યાન બાતમી મુજબનું છોટા હાથી વાહન રખીયાલ તરફથી આવતા તેને હાથનો ઈશારો કરીને ઊભું રાખી દેવાયું હતું. જેનાં ડ્રાઇવરની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ સરવન કાંતિલાલ મીણા(રહે ગામ ચણાવદા ઉદેપુર,રાજસ્થાન) હોવાનુ જણાવ્યુ હતું. જેની એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. બાદમાં છોટા હાથીને પોલીસ મથકમાં લઈ જઈને તલાશતા ગાડીના પાછળના કેબીનના ભાગમાં બનાવેલ ગુપ્તખાનાની અંદર છુપાવેલ જુદા જુદા બ્રાન્ડની સ્કોચ વ્હીસકીની 180 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

જે અંગે પોલીસે ડ્રાઈવરની પૂછતાંછ કરતાં તેને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આથી પોલીસ રૂ. 3.41 લાખની દારૂની બોટલો, મોબાઈલ ફોન, છોટા હાથી મળીને કુલ રૂ. 4.95 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂનો જથ્થો ક્યાંથી ભરી લાવીને કોને ડીલીવરી કરવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.