સરદાર માર્કેટ નજીક કાર અડફેટે આવી જતાં સસરાનું મોત નીપજયું, જમાઈ ઘાયલ

સરદાર માર્કેટમાં શાકભાજી લેવા જતા શાકભાજી વિક્રેતા સસરા જમાઈની બાઈકને પાછળથી પુરપાટે આવતા કારચાલકે સરદાર માર્કેટ નજીક અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા સસરાનું ટુંકી સારવાર પછી મૃત્યુ નીપજયું હતું. જ્યારે જમાઈને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત પછી મૃતકના પરિવારજનોએ અને સગાસંબંધીઓએ પોલીસ મથકમાં ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે હોબાળો મચાવ્યો હતો. પુણા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોડાદરા આસપાસ કુબેરનગર મધ્યે રહેતા અરૂણ બાબાસાહેબ ગોગાડે(45)શાકભાજી વિક્રેતા છે. મોડી રાત્રે 2 વાગ્યાના સમયગાળામાં તેઓ તેમના જમાઈ સુનીલ તરડે સાથે બાઈક પર સરદાર માર્કેટ શાકભાજી ખરીદવા જઈ રહ્યા હતા. તેઓ સરદાર માર્કેટના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન પાછળથી પુરપાટે પસાર થતા કાર ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક ફંગોળાઈ ગઈ હતી અને અરૂણભાઈ તથા તેમના જમાઈ સુનિલ ગંભીર ઘવાયા હતા. સારવાર અર્થે બંને સ્મીમેર ખસેડવામાં આવ્યા હતા.

અરૂણભાઈના પરિવારના સભ્યો અને અન્ય શાકભાજી વિક્રેતા ઘટના સ્થળે દોડી ગયા હતા. સવારે પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને ત્યા પણ હોબાળો કર્યો હતો અને કાર ચાલક સામે ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી. અંતે પોલીસે અડાજણ આનંદ મહેલ રોડ ચિન્મય એપાર્ટમેન્ટમાં રહેતા કારચાલક કલ્પેશ સુમંતીલાલ શાહ(52) સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરતા છેવટે મામલો થાળે પડ્યો હતો. ઘટના સંદર્ભે પુણા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.