માંડવી પછી ભૂજનો રાજાશાહી સમયનો કૃષ્ણાજી બ્રિજ પણ તંત્ર દ્વારા એક તરફી બંધ કરવામાં આવ્યો

copy image

ત્રણ દિવસ અગાઉ બનેલી મોરબી પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટના બાદ જિલ્લા મથક ભુજ મધ્યે આવેલા રાજાશાહી વખતના કૃષ્ણાજી બ્રિજને મજબૂત કરવાની માંગ ઉઠી હતી. તો વહીવટી તંત્ર દ્વારા માંડવીના જુના રૂકમાવતી બ્રિજને બંધ કરી દેવામાં આવ્યા પછી આજે ભુજના કૃષ્ણાજી બ્રિજને પણ છેવટે લોકમાંગના પગલે તંત્ર દ્વારા એક તરફી બંધ કરી દેવાયો છે. ટૂંક સમયમાં બ્રિજની ક્ષતિગ્રસ્ત દિવાલના સમારકામની પ્રક્રિયા હાથ ધરાશે અને નવ નિર્માણ માટે માર્ગ અને મકાન વિભાગના નિષ્ણાતો દ્વારા બ્રિજની ચકાસણી પણ કરાશે અને ત્યારબાદ જરૂર જણાશે તો બ્રિજ નિર્માણનું કાર્ય હાથ ધરાશે.

ભુજના હમીરસર તળાવ પર આવેલા રાજાશાહી વખતના કૃષ્ણાજી પુલની હાલત જર્જરિત જોવા મળી રહી છે, જેના સમારકામ માટે મોરબી દુર્ઘટના બાદ પ્રબળ માગ ઉઠી હતી અને વિવિધ સમાચાર માધ્યમોમાં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા. ત્યારે આજે બુધવારે આખરે જિલ્લા વહીવટી તંત્રના આદેસ મુજબ આ બ્રિજને સલામતીના ભાગરૂપે એક તરફી બંધ કરી દેવાયો છે.

આ અંગે નગરપાલિકા અધ્યક્ષ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે કલકેટર કચેરી તરફથી મળેલા આદેશ સંદર્ભે કૃષ્ણાજી બ્રિજને બંધ કરાયો છે. બ્રિજની ગુણવત્તા ચકાસવા માટે માર્ગ અને મકાન વિભાગના નિષ્ણાતો ટૂંક સમયમાં જાત નિરીક્ષણ કરશે અને જરૂર જણાશે તો બ્રિજનું નવ નિર્માણ હાથ ધરાશે. બ્રિજના સ્લેબ અને દીવાલોની વાત છે તો તે અંગેની સમારકામની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે અને વિભાગની રાજકોટ વડી કચેરીમાંથી મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે. જ્યારે બ્રિજની વર્તમાન સ્થિતિ જાણવા નિષ્ણાતો સાથે ચીફ ઓફિસર આજે જ હમીસર તળાવમાં બોટ મારફતે સ્થળ નિરીક્ષણ કરવા જવાના છે.