માતાનામઢમાં રાત્રે ગોળીબારનો અવાજ સંભળાતા પોલીસે દોડીને મોરનો શિકાર કરનારા 2 શિકારીઓને પકડી પાડ્યા

માતાના મઢમાં બંદૂકના ભડાકે રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરાયો હોવાની ઘટનાએ જીવદયાપ્રેમીઓમાં આક્રોશ ફેલાવ્યો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર,ગત રાતે દયાપર પીએસઆઈ આર.સી.ગોહિલની આગેવાનીમાં ટીમ રાત્રી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માતા ના મઢ વિસ્તારમાં ગોળીબારનો અવાજ આવતા પોલીસ ચોંકી ઉઠી અને તાત્કાલિક તપાસ શરૂ કરાઈ જેમાં માતાના મઢ સિમ વિસ્તારમાં આવેલા સેન્સર તળાવકાંઠે દેશી બંદૂકથી રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરાયો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી બે શિકારીની અટકાયત કરાઈ હતી. પકડાયેલા શિકારીઓમાં જુણસ ઊર્ફે સમીર હુસેન કુંભાર (ઉ.વ.23, રહે.માતાના મઢ) અને મુસ્તાક મુબારક જત (ઉ.વ.19, ૨હે.આશાલડી)નો સમાવેશ થાય છે.
આરોપીઓ પાસેથી દેશી બંદૂક કબ્જે કરવામાં આવ્યું છે. આરોપીઓએ પરવાના વિનાની દેશી બનાવટની બંદૂક વડે મોરનો શિકાર કરવામાં આવ્યો હતો અને સ્થળ ૫૨ મૃત મોરના પીંછા સહિતના અવશેષો જપ્ત કરી ફોરેસ્ટ વિભાગને અંતિમવિધિ માટે સુપરત કરાયું હતું. દયાપર પોલીસે આર્મ્સ એક્ટ તથા વાઈલ્ડ પ્રોટેક્શન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ શખ્સ દ્વારા પૂર્વે શિકાર કરવામાં આવ્યો છે કે કેમ ? તેમજ બંદૂક ક્યાંથી આવી તે સહિતના પ્રશ્નોના જવાબ જાણવા બંને જણાને દયાપર કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે બંને શખ્સોના એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે તેવું પીએસઆઈ આર.સી.ગોહિલે જણાવ્યું હતું.