ગાંધીધામના ભારતનગર રોડ પર 1893 કિલો શંકાસ્પદ ચોખા સાથે 1 ની ધરપકડ કરાઇ

ગાંધીધામના રાજવી ફાટક થી ભારતનગર તરફ જતા રોડ પર રીશી શિપિંગ આગળ રામદેવપીર મંદિર નજીક બાતમીના આધારે વોચમાં ઉભેલી પુર્વ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે ડાલો વાહનમાં લઇ જવામાં આવતા રૂ.37,860 ની કિંમતના 1893 કિલોગ્રામ ચોખાના શંકાસ્પદ જથ્થા સાથે એકની ધરપકડ કરી વાહન, મોબાઇલ અને વજનકાંટા સહિત કુલ રૂ.5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એ-ડિવિઝન પોલીસને તપાસ સોંપી હતી.
પુર્વ કચ્છ એસઓજી પીઆઇ એસ.એન.ગડ્ડુએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રાત્રે રાજવી ફાટક નજીક ચેકિંગ કરાઈ રહી હતી તે દરમિયાન અઢી વાગ્યાના આસપાસ રાજવી ફાટક થી ભારતનગર તરફ જતા રોડ પર રિશિ શિપિંગ આગળ આવેલા રામદેવપીર મંદિર નજીક પસાર થતી બોલેરો ડાલો ગાડીને રોકી ચેકિંગ કરવામાં આવતા તેમાં ચોખા ભરેલા જણાતાં આ ચોખાના આધાર પુરાવા માગતા ચાલક પાસે ન હોવાટી એસઓજી ઓફિસે લઇ જઇ તપાસ કરતાં ગવર્મેન્ટ ઓફ હરિયાણા લખેલી બોરીઓમાં રૂ.37,860 ની કિંમતના કુલ 1,893 કિલોગ્રામ ચોખાનો જથ્થો કબ્જે કરી વાહન, મોબાઇલ તથા વજનકાંટા સહિત કુલ રૂ.5,72,860 ના મુદ્દામાલ સાથે બોલેરો ચાલક બિજલકુમાર વેલાભાઇ મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ માટે એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.