મિયાણીમાં એલસીબીએ લિઝ બહાર ગેરકાયદે થતી ખનન ચોરી ઝડપી પાડી

અબડાસા તાલુકાના પેટાળમાં મોટા પ્રમાણમાં બેન્ટોનાઈટ ખનીજનો જથ્થો ધરબાયેલો છે ત્યારે કોઠારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મિયાણી ગામની સીમમાં લીઝ બહાર ગેરકાયદે થતી ખનનની પ્રવૃત્તિ એલસીબીએ પકડી પાડી હતી.
એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, અબડાસાના મિયાણી ગામની ઉગમણી બાજુ આવેલ લીઝ ધારક અબ્દુલ કાદીર જુસબ હિંગોરાની સર્વે નં.162 વાળી ખાણમાં બેન્ટોનાઇટ કાઢવાનું ખોદકામ ચાલુમાં છે અને હાલમાં ખાણ માંડવીના એઝાઝ અહમદ અબ્દુલ કાદર ખત્રી તેમજ જાવેદ સુલેમાન જુણેજા ચલાવે છે તેવી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
લીઝની જમણી બાજુ ટેકરાઓમાં સીમેન્ટના પોલની ઇલેકટ્રીક લાઈન પસાર થાય છે તે ટેકરાઓની ધાર નીચે ગેરકાયદેસર રીતે ઊંડા મોટા ખાડાઓ ખોદી બેન્ટોનાઇટ બહાર કાઢેલાનું જણાઈ આવતા ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ હતી.જેથી ખાણતંત્રના અધિકારીઓએ લીઝમાં સ્થાનિક જગ્યાએ સર્વેયર મારફતે લીઝની માપણી કરાવતા લીઝ વિસ્તાર બહાર 10,376.19 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ ખનીજ કી. રૂ.47 લાખ અને 944.82 મેટ્રિક ટન બેન્ટોનાઈટ કી.રૂ.5 લાખ મળી કુલ 52 લાખના ખનીજનું ખનન લીઝ બહાર કરાયું હોવાનું સામે આવ્યું હતું. જેથી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.