વલસાડના ભિલાડ પાસે વાહન ચેકિંગ દરમિયાન વેપારીની કારમાંથી રૂ.16 લાખ રોકડા મળ્યાં, પોલીસે કરી ચાલકની અટકાયત

રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી, ચૂંટણી પ્રચાર સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ પોલીસે પણ ચેકિંગની કાર્યવાહી તેજ કરી દીધી છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગની ટીમે વલસાડ જિલ્લાની ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. આ સમય દરમિયાન ગુજરાત અને દમણની બોર્ડર પર ઉમરગામના એક વેપારીની કારમાંથી રોકડા 16 લાખ રૂપિયા મળી આવતા તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગની ટીમ સક્રિય થઈ ગઈ છે. ગુજરાત અને દમણની બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન સ્ટેટ મોનિટરિંગની ટીમે ઉમરગામના ફૂડ કોર્નર અને મોલ સંચાલક હર્ષ રાણાની કારમાંથી રૂ. 16 લાખ રોકડા મળી આવ્યાં હતા. જેથી સ્ટેટ મોનિટરિંગની ટીમે કારને ડિટેન કરી ઉમરગામના વેપારીની પૂછપરછ હાથ ધરી છે. વેપારીએ દમણ મધ્યે રહેતા મામાને રૂપિયા આપવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.