આચારસંહિતાના ભાગરૂપે ફરી શેખપીર ચેકપોસ્ટ શરૂ કરાઈ

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા અમલમાં આવી છે.જેના પગલે પશ્ચિમ કચ્છના પ્રવેશદ્વાર પાસે શેખપીર ચેકપોસ્ટ શરૂ કરી દેવાઈ છે.હાલમાં બંને તરફ ચોકીઓ અને બેરીકેડ ગોઠવવામાં આવી છે અને અહીં આર્મીના જવાનો સાથે પોલીસ હોમગાર્ડ અને જી.આર.ડીના જવાનોને પણ ડ્યુટી અપાઈ છે.પોલીસ દ્વારા અહીંથી પસાર થતાં વાહનોનું ચેકિંગ કરાયું હતું. જેમાં જે વાહનોમાં કાળી ફિલ્મ હતી તે દૂર કરાઈ હતી.
ચૂંટણી દરમિયાન ગેરપ્રવૃતિઓ અટકે તથા રોકડ રકમની હેરફેર ન થાય તે સહિતના હેતુઓ સાથે દરેક જિલ્લાઓમાં ચેકપોસ્ટ શરૂ કરાઈ છે. પશ્ચિમ કચ્છમાં પ્રવેશવા માટે શેખપીર ચેકપોસ્ટ પસાર કરવી પડે જેથી અહીં માર્ગની બંને તરફ બેરીકેડ ગોઠવવામાં આવ્યા છે તથા ચેકિંગ પણ કરાય છે.
રવિવારે પણ અહીં પસાર થતા વાહનોની ડીકી તપાસી જે વાહનોમાં કાળી ફિલ્મ હતી તે દૂર કરાઈ હતી.નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, આવી કામગીરી નિયમિત થવી જોઈએ અને અમુક કલાકો નહીં પણ હાલના ચૂંટણીના માહોલમાં રાત-દિવસ દરેક વાહન પર ચાંપતી નજર રાખી સઘન ચેકિંગ કરવામાં આવે તે અનિવાર્ય છે.કોરોનાના સમયગાળામાં આ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન હથિયારો અને દારૂની બોટલો મળી હતી.