કુંદરોડી ગામે નવી બોલેરોમાં નુકસાનનું મનદુઃખ રાખીને ત્રણ ભાઈઓએ મિત્રને ઢોર માર મારતા મૃત્યુ નીપજયું

વિધાનસભાની ચૂંટણીને લઈ આચારસંહિતા અમલમાં આવી છે તેવામાં મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામમાં ત્રણ ભાઈઓએ યુવકને ઢોરમાર મારતા આ ઘટના હત્યામાં ફેરવાઇ હતી .ઘટનાને પગલે પોલીસે ત્રણે આરોપી સહોદરોની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર શનિવારે સાંજે 8 વાગ્યાના અરસામાં મોખા ગામના શંભુભાઈ રાધુભાઈ મરંડ (ઉવ.38) તેના કુંદરોડી ગામના મિત્ર કિરીટસિંહ હઠુભા જાડેજા સાથે નવી લીધેલી બોલેરો ગાડીમાં ફરવા માટે ગયા હતા. તે સમય દરમિયાન ગાડી થાંભલા સાથે ટક્કરાતા ગાડીના આગળના ભાગમાં નુકશાન પહોચ્યું હતું.

આ અંગેની જાણ કિરીટસિંહના ભાઈ જગદીશસિંહ અને શક્તિસિંહને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને શંભુભાઈ સાથે બોલાચાલી કરીને મારામારી કરી હતી.ત્રણેય ભાઈઓએ મિત્રને ઢોર માર મારતા તેઓ નીચે પટકાઈ ગયા હતા આ દરમિયાન માથાના ભાગમાં તીક્ષ્ણ વસ્તુ વાગતા યુવક સ્થળ પર જ ઢળી પડ્યો.

જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મધ્યે લઇ જવાયા હતા પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી યુવકનું મોત થતા મારામારીનો બનાવ હત્યામાં ફેરવાઇ ગયો હતો. જેથી પ્રાગપર પોલીસ સ્ટેશનમાં હતભાગીના ભાઈ ભરતે ત્રણેય આરોપી ભાઈઓ વિરુદ્ધ હત્યાની કલમો તળે ગુનો દાખલ કરાવતા પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાથી નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.