સરહદને જોડતા ભુજ-ધર્મશાળા માર્ગમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયોહોવાનો આક્ષેપ

સરહદને જોડતા અને 268 કરોડના ખર્ચે બનેલા ભુજ-ધર્મશાળા રાષ્ટ્રીય ધોરી માર્ગમાં સંબંધિત ઠેકેદાર દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો છે તેવો આક્ષેપ કરતાં ભાજપ બક્ષીપંચ મોરચાના જિલ્લા મહામંત્રીએ આ અંગે યોગ્ય તપાસ કરવાની કલેક્ટર સામે માગ કરી હતી. રોડ બન્યાના એક જ વર્ષમાં ઠેર ઠેર ખાડાઓ પડતાં નાના મોટા અકસ્માતો સર્જાય છે. કચ્છના રણને જોડતા આ માર્ગની કામગીરીમાં નબળી ગુણવત્તાનો માલ વાપરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
અધિકારીઓના કહેવા અનુસાર ઇપીસીના નિયમોનુસાર ટેન્ડર કરાયા હોવાથી કામના માપ તેમને લેવાના થતા નથી જેનો સીધો ફાયદો ઉઠાવીને એજન્સીએ મનસ્વી રીતે કામ કર્યું છે. સરકારી કામો મુખ્ય એજન્સીએ જ કરવાનો નિયમ હોવા છતાં આ કામ પેટા કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવ્યું હોવા છતાં અધિકારીઓ દ્વારા આ અંગે કોઇ પગલા ભરાયા નથી. આ કામની તટસ્થ તપાસ કરવામાં આવે તો કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું બહાર આવશે તેવો આક્ષેપ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિરમ રામજી આહિરે કર્યો હતો. કામની તપાસ માટે જિલ્લા મેજીસ્ટ્રેટની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવે તેવી રજૂઆત તેમણે કલેક્ટર સમક્ષ કરતાં કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માગ કરાઈ હતી.