અબડાસાના સાંધવ વાડી વિસ્તારમાં છેડતીની શંકા રાખીને યુવકને થડ સાથે બાંધી ક્રૂરતાપૂર્વક ઢોરમાર મારી નિર્મમ હત્યા કરાઇ

અબડાસા તાલુકાના સાંધવ વાડી વિસ્તારમાં છેડતીની શંકા રાખીને યુવાનની ક્રૂરતાપૂર્વક નિર્મમ હત્યા કરાતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે.
અબડાસા તાલુકાના સાંધવ વાડી વિસ્તારમાં યુવાનને ઝાડ સાથે બાંધીને ચાર આરોપીઓએ લોખંડના પાઇપ અને ધોકા ફટકારતા ગંભીર ઇજાઓ પહોચવાના કારણે યુવાન ત્યાં જ ઢળી પડતા મૃત્યુ નીપજયું હતા. કોઠારા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી માહિતી અનુસાર સાંધવ વાડી વિસ્તારમાં કશ્મીરસિંઘ જગશીરસિંઘ સરદારની વાડીએ આ ઘટના બની હતી.
ફરિયાદી અંગ્રેજસિંઘ ભજનસિંઘ જાટ નામના 60 વર્ષીય ખેડૂતે જણાવ્યું કે આરોપીઓએ તેમના સગા ભાઇ 32 વર્ષીય જર્નલસિંઘ ભજનસિંઘ જાટ પર છેડતીની શંકા રાખી બોલાચાલી કરી તેને વાડીએ લઇ ગયા જ્યાં તેના હાથપગને રસ્સી વડે બાંધી દઇ બાવળના ઝાડના થડમાં ભાઇને બાંધી દેવામાં આવ્યો હતો બાદમાં આરોપીઓ લખવીરસિંઘ જગશીરસિંઘ સરદાર, કશ્મીરસિંઘ જગશીરસિંઘ સરદાર, નવદીપ કૌર કશ્મીરસિંઘ સરદાર અને મહેતાબસિંઘ જગશીરસિંઘ સરદારવાળાએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે ભાઇને શરીરના ભાગે તથા માથાના ભાગમાં ફટકા મારી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવ્યું હતું તેમજ ફરિયાદીને પણ મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી કોઠારા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થતાં પીએસઆઇ વાય.પી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વાડી વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી.