અમદાવાદના અમરાઈવાડીમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ભભૂકી

અમરાઈવાડીમાં ભગવતી એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ભભૂકતા ફાયર બ્રિગેડની ચાર ગાડીએ ઘટનાસ્થળે પહોંચી 45 મિનિટની કામગીરી પછી આગને કાબૂમાં લીધી હતી. આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે ગોડાઉનમાં રહેલ પ્લાસ્ટિક, રો-મટીરિયલ અને મશીનો બળીને ખાખ થવાથી 3 લાખનું નુકસાન થયું હતું.
અમરાઈવાડીમાં સત્યમનગર શાક માર્કેટ પાસેના ભગવતી એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ભભૂકતા દોડધામ મચી હતી. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ચાર ગાડીએ ઘટનાસ્થળે આવી આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે ગોડાઉનમાં પ્લાસ્ટિક અને રો-મટીરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયરબ્રિગેડે ગોડાઉનની ચારે બાજુ પાણીનો મારો ચલાવીને 45 મિનિટમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. આગનું કારણ જાણવા પ્રયતણો હાથ ધરતા મોલ્ડિંગ મશીનમાં હીટ પકડાઈ હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું છે છતાં ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે.