પાટણના ગોલાપુરથી ચોરાયેલી કાર પૂર્વ કારમાલિકે ચોરી કર્યાનું આવ્યું સામે

પાટણ તાલુકાના ગોલાપુર ગામમાં રાત્રે ઘર પાસે પાર્ક કારની ચોરી કરનાર ઈસમને મંગળવારે અમદાવાદ મધ્યે કાર સાથે પકડી પાડ્યો હતો. પકડ્યા બાદ ચોકાવનારો ખુલાસો થયો હતો પૂર્વ કારનો માલિક તેની પાસે રહેલી ચાવીની મદદથી વેચાણ આપ્યા પછી કાર ચોરીને અંજામ આપ્યો હતો.તેની પાટણ તાલુકા પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ તાલુકાના ગોલાપુર ગામમાં રહેતા ચેહાબેન કિર્તીસિંહ ઠાકોરના ઘર આગળ રાત્રે તેમની કાર પાર્ક કરેલ હતી તે વખતે રાત્રી અંધકારનો લાભ લઇને કોઇ ચોર કારની ઉઠાતરી કરી ગયો હતો.
આ અંગે કાર માલીકે પાટણ તાલુકા પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. તેની તપાસ અધિકારી પીઆઇ બી.એફ.ચૌધરી જણાવ્યુ હતુ કે સીસીટીવી ફુટેજ મદદથી તથા ખાનગી બાતમી આધારે ચોરાયેલ કાર સાથે યુવાન અમદાવાદ મધ્યે ત્રાગડ રોડ ઉપર આવેલ દેવ રેસીડેન્સીમાં છે તેવી બાતમી આધારે મંગળવારે કાર ચોરનાર ચંન્દ્રમોલી નરેન્દ્રકુમાર શર્મા રહે.પાટણને પકડી પાડ્યો હતો.તેને પાટણ તાલુકા પોલીસ મથકમાં લાવી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર ચોરીમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પૂર્વે આ કારનો માલિક રહી ચૂકેલો આ યુવાને તેની પાસે રહેલી ચાવીથી કાર ચોરી કરી હતી.