LCBએ ખાવડાના કુખ્યાત આરોપીને ઉદયપુરથી ઝડપ્યો

હાલ વિધાનસભાની ચુંટણીના સમયે વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીને પકડી પાડવા પોલીસ મહાનિરીક્ષક દ્વારા આદેશ અપાયું છે.જેના પગલે છેલ્લા ચાર મહિનાથી જુદા જુદા ચાર જેટલા ગુનામાં ખાવડાનો કુખ્યાત આરોપી ફરાર હતો. જેને એલસીબીની ટીમે રાજસ્થાનના ઉદયપુરથી પકડી પાડ્યો છે.આરોપી સામે ધાડ,જીવલેણ હુમલા,ચીટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનાઓ દાખલ કરાયેલા હતા.
ખાવડાના મોવારવાંઢ લુડીયાના 44 વર્ષીય ઓસમાણ ઉર્ફે ઓસ્લો સદીક નોડે છેલ્લા ચાર મહિનાથી ગંભીર ગુનાઓમાં નાસ્તો ફરતો હતો.એલસીબીની ટીમે હ્યુમન રિસોર્સ વડે તપાસ કરતા આરોપી રાજસ્થાનના ઉદયપુર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એલસીબીની એક ટીમ ઉદયપુર પહોચી હતી.
ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આરોપી કમલાવાડી સેન્ટ્રલ બસસ્ટેન્ડની બાજુમાં આવેલ અંબે પેલેસ હોટલમાં હોવાનું જાણવા મળ્યું હતું.એલસીબીની ટીમે હોટલમાં તપાસ કરતા રૂમ નંબર 202 માંથી આરોપી મળી આવ્યો હતો. પકડાયેલા આરોપી પાસેથી રોકડ સહીત 29 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવા ભુજ શહેર એ ડીવીઝન પોલીસને સોંપાયો છે.
ખાવડાના ઓસમાણ ઉર્ફે ઓસ્લો સીદીક નોડે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.જેના સામે ભુજ તાલુકા પોલીસ મથક, ભુજ શહેર એ ડીવિઝન, ગારીયાધાર પોલીસ મથક,ખાવડા પોલીસ મથક અને ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથક મધ્યે સસ્તા સોનાની ચીટીંગ અને હત્યાના પ્રયત્ન સહીતના 9 ગંભીર ગુનાઓ દાખલ છે.