કાઢવાંઢથી ધોળાવીરાના અધૂરા હાઇવેની જાણ દિલ્હીમાં કરવામાં આવશે

copy image

જી 20 સમિટ પૂર્વે આગોતરી સમીક્ષા કરવા આવેલા કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓએ બુધવારે વૈશ્વિક હિરાસત સ્થળ ધોળાવીરાની મુલાકાત કરી હતી અને ત્યાં કયા પ્રકારની માળખાકિય સુવિધાઓ છે તે ચકાસણી કરી હતી. દરમિયાન, ધોળાવીરાના સરપંચે કરેલી વિવિધ રજૂઆતના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, ઘડુલી સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ધોરડોથી ધોળાવીરાને જોડે છે અને કાઢવાંઢથી ધોળાવીરા સુધીનો રસ્તો હજુ નથી બન્યો તે ઝડપથી બનાવવામાં આવે તેના સહિતની માળખાકિય સુવિધાઓની પૂર્તતાની જાણ દિલ્હીમાં સંબંધિત મંત્રાલયમાં કરાશે.

ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, ધોળાવીરા હેરિટેજ સાઇટ જોવા આવતા પર્યટકોને પીવાના પાણી, વીજળી, એપ્રોચ રોડ સહિતની અસુવિધા છે. ખાસ કરીને જી20ના પ્રતિનિધિઓ એક દિવસ માટે ધોળાવીરા આવવાના છે તે અગાઉ ખાવડાથી ખડીરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તૈયાર થાય એ જરૂરી છે. ત્રણ વર્ષથી આ રસ્તો બની રહ્યો છે અને 2022ના ચોમાસા પહેલાં પૂરો કરવાનો હતો પરંતુ તંત્ર અને ઠેકેદારની ગોકળગતિના લીધે મહત્ત્વનો રસ્તો તૈયાર થઇ શક્યો ન હતો અને કચ્છના પ્રવાસનને અસર થાય છે.

જો આ રસ્તો સમીટ પહેલાં નહીં બને તો, ધોરડોથી ધોળાવીરા પહોંચવાનો લાંબો ફેરો થશે. તેમજ 66 કેવી સબ સ્ટેશન, પીવાના પાણી માટે નર્મદાની લાઇન, રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ધોળાવીરા તરફનો પાંચ કિલોમીટરનો એપ્રોચ રોડ પણ જરૂરી સગવડો બની રહેશે. નિરિક્ષકોએ આ સુવિધાઓ માત્ર જી 20 સમિટના જૂજ દિવસો પૂરતી નહીં પણ પ્રવાસીઓને કાયમી ધોરણે ઉપયોગી થાય તેમ ગુજરાત સરકાર અને દિલ્હીના સંબંધિત મંત્રાલયમાં જાણ કરીને સગવડો ઉભી કરવામાં આવશે.