જવાહરનગર નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક પ્રૌઢનું મોત નિપજ્યું

ગાંધીધામ-ભચાઉ હાઇવે પર બેફામ ગતિથી થતા વાહન વ્યવહારને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. જવાહરનગર નજીક પૂરપાટે જતા ટેન્કર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતાં પરિવારના મોભી પ્રૌઢે જીવ ગુમાવ્યો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરાઇ છે.

ગાંધીધામના સેક્ટર-7માં આવેલા સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અને શ્રીજી કોસ્ટલ શિપિંગ કંપનીમાં નોકરી કરતા 54 વર્ષીય નાન્ટુ જ્યોતિષચંદ્ર રાય બપોરે ત્રણ વાગ્યાના સમયગાળામાં બાઇક લઇને કંપનીના કામ માટે જવાહરનગર તરફ ગયા હતા. જ્યાં 4 વાગ્યાના આસપાસ પૂર ઝડપે જઇ રહેલા ટેન્કર ચાલકે તેમની બાઇકને ઠોકરે લેતાં તેમને કમરના ભાગમાં ગંભીર તેમજ શરીરના અન્ય ભાગમાં પણ ઇજાઓ થતાં તેમને ગંભીર હાલતમાં કંપનીના મેનેજર સુજિતભાઇ દ્વારા ઘટનાસ્થળે પહોંચી જૈન સેવા સમિતી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ બપોરે એક વાગ્યે દમ તોડ્યો હતો. આ અંગે મૃતકના પત્ની પ્રતિમાબેન નાન્ટુ રોયે જીવલેણ અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પીએસઆઇ કિશનભાઇ વાઢેર વધુ તપાસ ચલાવી રહ્યા છે. હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ વ્યાપી ગયો છે. ગાંધીધામ બસ સ્ટેશન સામેના હાઇવે પર ગતિ મર્યાદા ન જળવાતી હોવાના લીધે વારંવાર જીવલેણ અકસ્માત થાય છે.