આદિપુર પોલીસે દારૂમાં પકડેલો આરોપી સર્વેલન્સ રૂમમાં સટ્ટો રમતો ઝડપાયો

આદિપુર પોલીસે બિયર સાથે ઝડપાયેલો આરોપી પોલીસ સ્ટેશન લઇ જવાયા પછી સર્વેલન્સ રૂમમાં મોબાઇલ પર ક્રિકેટનો ઓનલાઇન સટ્ટાનો જુગાર રમતો પકડાયો હોવાની ઘટનાએ મોટી બેદરકારી છતી કરી છે કારણકે સામાન્ય રીતે આરોપીને ઝડપાયા બાદ પોલીસ મોબાઇલ સહિત તમામ મુદ્દામાલ જપ્ત કરી લેતી હોય છે તો આ આરોપી મોબાઇલ પર જુગટું રમતો કઇ રીતે હતો ? જવાબદાર કોણ ? આ જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ ?

આદિપુર પોલીસે બપોરે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મનોજ ધરમદાસ આસનાની અને જયેશ ખેમચંદ આહુજાને રૂ.1,000 ની કિંમતના બિયરના 10 ટીન સાથે ઝડપી વાહન સહિત 26 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આદિપુર પોલીસ સ્ટેશનમાં લઇ આવી સર્વેલન્સ ઓફિસમાં બેસાડ્યા હતા. તે દરમિયાન મનોજ પોતાના મોબાઇલમાં કંઇક હરકત કરતો હોવાનું જણાતાં તપાસ કરી તો આ આરોપી પોલીસ સ્ટેશનની અંદર મોબાઇલ પર પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટાનો જુગાર રમી રહ્યો હતો. પોલીસનું ધ્યાન જતાં જ તેની પાસેથી રૂ.20,000 ની કિંમતનો મોબાઇલ કબ્જે કરી વધુ એક ગુનો જુગારનો પણ દાખલ કર્યો હતો.