અંજારમાં રાજકીય શક્તિ પ્રદર્શનથી લોકો અવ્યવસ્થાના લપેટામાં ફસાયા
કચ્છમાં ચૂંટણીને લીધે રાજકીય ગમાવો આવી ગયો છે. સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી કચ્છની 6 સીટો પર ફોર્મ ફરવા માટે ઉમેદવારોનો રાફોડો ફાટ્યો હતો. અંજારમાં મુખ્ય પક્ષોએ સોમવારે જ ફોર્મ ભર્યા હતાં. જોકે સોમવારે શહેરના લોકોને રીતસર બાનમાં લેવાયા હતાં. કારણ કે મુખ્ય રાજકીય પક્ષોના સમર્થકો મોટી સંખ્યામાં શહેરમાં આવતા ભારે ટ્રાફિક જામ થયો હતો. સવારથી બપોર સુધી વિવિધ માર્ગો પર લોકોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ અંજારમાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ સોમવારે ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે ઉમેદવારો અને રાજકીય પક્ષોના સભ્યો અને ટેકેદારો મોટી સંખ્યામાં શહેરમાં આવી પહોંચ્યા હતાં. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમર્થકો આવી જતા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનોના રીતસર થપ્પા લાગ્યા હતાં. ગંગા નાકા, વરસામેડી નાકા, પ્રાંત કચેરી સહિતના માર્ગો પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો વ્યવસ્થા હલ કરવા મથી રહ્યા હતા. પરંતુ વાહનોની સંખ્યા જ એટલી વધી ગઇ હતી કે તેઓ પણ અસમર્થ જણાતા હતાં. તેમાં પણ માર્ગોની સાઇડમાં આડેધડ વાહનો પાર્ક કરાતા સમસ્યામાં વધારો થયો હતો.
આ બધાની વચ્ચે શહેરના સામાન્ય નાગરિકો અને વાહનચાલકો પરેશાન થયા હતાં. લોકોને મિનિટો સુધી ટ્રાફિકમાં ફસાવાનો વારો આવ્યો હતો. આવ-જાવ કરતી ST બસો પણ ટ્રાફિકમાં અટવાઇ હતી. ટ્રાફિકથી બચવાના વૈકલ્પિક માર્ગો પર પણ ટ્રાફિક જામ થયો હતો. બપોર સુધી આવી અવ્યવસ્થા રહી હતી.