નિયમોની ખબર નથી ને ધારાસભ્ય બનવાના પ્રયત્નો
લોકશાહી મહાપર્વ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તા.1-12ના મતદાન થવાનું છે ત્યારે નામાંકનપત્રો ભરવાના નિયમોની ખબર નથી તેવા ઉમેદવારોને પણ ધારાસભ્ય બનવું છે અને મંગળવારે ફોર્મ ચકાસણી દરમ્યાન આવા ઉમેદવારો ઉપરાંત ડમી દાવેદારો સહિત 20 થી વધુ ફોર્મ રદ થયા.
ગ્રામીણ સંસદ ગ્રામપંચાયતથી લઇને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ વિધાનસભા કે, લોકસભાની ચૂંટણી વખતે સૌ કોઇને ચૂંટણી લડવાના શોક જાગતા હોય છે અને ફોર્મ ભરવાના નિયત નિયમોની ખબર ન હોવા છતાં પણ ઉમેદવારો નામાંકનપત્રો ભરી નાખતા હોય છે, આવું જ કાંઇક વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સામે આવ્યું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં જિલ્લાની 6 બેઠકો પર 92 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતા.
તા.15-11, મંગળવારના ફોર્મની ચકાસણી દરમ્યાન ભાજપ, કોંગ્રેસ સહિત, આમ સહિતના પક્ષોના મુખ્ય ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતાં અને ડમી ઉમેદવારોના નામાંકન વખતે નિયમ મુજબ 10 ટેકેદારો દ્વારા દરખાસ્ત ન કરાતાં આપોઆપ આવા ફોર્મ રદ થયા હતા જ પરંતુ જે ઉમેદવારોએ નિયત નિયમો મુજબ ફોર્મ ન ભર્યું હોય કે, સોગંદનામું રજૂ ન કર્યું હોય કે, સોગંદનામામાં અધુરાશ હોય કે, નિયત સમયમાં સોગંદનામું રજૂ ન કરનારા ઉમેદવારોના ફોર્મ તંત્ર દ્વારા રદ કરાયા છે. મંગળવારે ફોર્મ ચકાસણી દરમ્યાન ડમી સહિત અબડાસા મત વિસ્તારમાં 5, માંડવીમાં 3, ભુજ 4, અંજાર 3, ગાંધીધામ 3, રાપર 4 સહિત 20 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા.