રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આખો દિવસ ફિલ્મનું શુટિંગ ચાલુ રહ્યું, દર્દીઓએ હલાકીનો સામનો કર્યો

રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આખો દિવસ હોસ્પિટલના અદ્યતન સાધનોના ઉપયોગ કરીને ફિલ્મનું શુટિંગ કરાતાં દર્દીઓને હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું. રાપર CHC ના ડાયાલિસીસ સેન્ટરમાં આખો દિવસ અને રાત્રિના સમયે પણ ફિલ્મનું શુટિંગ ચાલુ હોવાં છતાંય તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય ખાતાને કોઈ લેખિત જાણ ન કરી શુટિંગથી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા.

50થી વધુ સ્ટાફ અને મશીનરીના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાપર પાંજરાપોળના અગાઉ ટ્રસ્ટીના જીવંત પ્રસંગો અને જીવદયા મંડળમાં તેમની વિશેષ કામગીરી, ગૌવંશને વાચા આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું શુટિંગ પ્રાથળના બેલા ગામથી ચાલુ કરાયું હતું. જિલ્લા આરોગ્ય તંત્રના કહેવા મુજબ એક પ્રસંગને અનુરૂપ સોમવારે રાપર CHC ખાતે કોઈપણ જાતની લેખિત પરવાનગી લીધાં વગર જ શુટિંગ ચાલુ કરી દેવાતાં દર્દીઓ, હોસ્પિટલના સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ફિલ્મના શુટિંગ માટે જાણે આખું હોસ્પિટલ બાનમાં લીધું હોય તેમ શુટિંગમાં જોતરાયેલા સ્ટાફનું વર્તન હતું. ઉંચા અવાજે બોલવું નહીં, જનરલ વોર્ડમાં કામ સિવાય આવવું નહીં વગેરે બાબતે કડક સુચના અપાતાં દર્દીઓ અને હોસ્પિટલનો સ્ટાફ ડઘાઈ ગયો હતો. લાખો રૂપિયાની કિંમતના ડાયાલિસીસ સેન્ટરના નવા મશીનો પણ આ બિન અનુભવી ફિલ્મના સ્ટાફના હવાલે કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ફિલ્મ સાથે સંકળાયેલા ભાર્ગવભાઈએ જણાવ્યું હતું કે, તેમની પાસે જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારીઓના લેખિત કાગળો હોવાનો દાવો કર્યો હતો. જો કે, તેમણે આ કાગળો બતાવવાની તસ્દી લીધી ન હતી. તો દર્દીઓને પડેલી હાલાકી અને મશીનરીના ઉપયોગની મંજૂરી વિશેના પ્રશ્નનો પણ તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો. જો કે, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.મોતીલાલ રોયને પૂછતાં તેઓ બહાર હોવાનું જણાવીને આ બાબતે તેમની સાથે ફોન ઉપર ચર્ચા થઈ હતી પણ ક્યારે શુટિંગ કર્યું તેની માહિતી નથી અને હજુ સુધી લેખિત મંજૂરી અપાઈ નથી. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ કુરમાલીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે આ ડોક્યુમેન્ટરી ફિલ્મની મંજૂરી અંગે કાંઈ આવ્યું નથી.