પતિએ જી.કે.ની સામે મૃતદેહ રઝળતો મૂક્યા પછી મજૂરી માટે વાંકી ગયો અને ત્યથી ઝડપાયો

ગયા શુક્રવારે ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલની સામે કોઈક વ્યક્તિ છકડા રીક્ષામાં આવ્યો અને મહિલાનો મૃતદેહ રઝળતો મૂકી નાસી ગયો હતો. જે કેસમાં પોલીસે તપાસ કરતા મામલો હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. જે કેસમાં વિવિધ ટીમોએ કરેલી મહેનત પછી આરોપી પતિને મુન્દ્રા તાલુકાનાં વાંકી ગામમાંથી ઝડપી લેવાયો. આ ઘટનાએ શહેરભરમા ભારે ચકચાર મચાવી હતી, કારણ કે જાહેરમાં મહિલાની લાશને મૂકી દેવામાં આવી હતી.

જેથી લોકોના મનમાં અનેક સવાલ ઉદ્દભવ્યા હતા કે આ લાશ કોની છે?, તેને કોણ મૂકી ગયું?, હત્યા કયા કારણોથી થઈ?  જોકે પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી અનેક પ્રશ્નો પરથી પડદો ઊંચકાઈ ગયો. જે સાંભળીને સૌ કોઈના રૂંવાડા ઉભા થઇ જાય તેમ છે. કારણ કે બેકારી અને ગરીબાઈની હદ એટલી બધી છે કે, હત્યાના બનાવને અંજામ આપ્યા પછી પતિ લાશને જી.કે.સામે મૂકી ગયો અને પછી રોજગારીની શોધમાં નીકળી ગયો હતો. જ્યાં તે પકડાઈ ગયો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કોટડા ચકાર ગામે રહેતા હતભાગી 35 વર્ષીય વાલબાઈ મુકેશ કોલીની ઘરે હત્યા કરવામાં આવી હતી.

ગયા ગુરુવારે રાત્રે કૌટુંબિક બાબતમાં થયેલા ઝગડામાં હતભાગીને પગના ભાગે ધોકા મારવામા આવ્યા જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા અને તાત્કાલિક સારવાર ન મળવાથી મોત થયું હતું. પછી પતિ મેરામણને પોલીસ કાર્યવાહીની બીક લાગી અને ડરના માર્યા તેને કાંઈ સૂઝ્યું નહિ જેથી તેણે લાશને સગેવગે કરવા છકડો ભાડે કર્યો અને કોટડા ચકારથી લાશને તેમાં રાખી હતી ત્યારે જ છકડા ચાલકે પૂછ્યું હતું કે, આ બેન કોણ છે ત્યારે મેરામણે પત્ની બીમાર છે બેભાન થઈ ગઈ છે તેવું કહ્યું હતું.

જેથી છકડા ચાલકે તેમને બેસાડયા પછી જી.કે.ની સામે કહેતા ઉતાર્યા હતા પછી કેસ પેપર કઢાવવા જાઉં છું તેમ કહી મેરામણ તેની દીકરીને લઈને ફરાર થઈ ગયો હતો બાદમાં પોલીસને જાણ થતાં લાશને હોસ્પિટલમાં લઈ જઈ ઓળખ કરી પરિવારને કબ્જો અપાયો હતો. પતિની નિર્દયતા કહો કે પછી ગરીબાઈ પણ મૃતદેહ મુક્યા પછી મેરામણ સીધો નોકરીની શોધમાં નીકળી ગયો હતો. શનિવારે હત્યાનો ગુનો દાખલ થયા પછી મેરામણને શોધવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી અને ગામમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, મેરામણ પહેલા વાંકી ગામે મજૂરી કરતો હતો

જેથી ત્યાં કેમ્પ ગોઠવવામાં આવ્યો અને અહીં મેરામણની હાજરી હોવાની માહિતી મળતા પધ્ધર પોલીસની ટીમ મુન્દ્રા તાલુકાના વાંકી ગામે વાડી વિસ્તારમાં પહોંચી ત્યારે વાંકીથી કારાઘોઘા ગામ તરફ જતા રોડની આથમણી સીમ માંથી આરોપીને ઝડપી લેવાયો હતો. તપાસમાં સામે આવ્યું કે, મેરામણ અહીં રોજગારીની શોધમાં આવ્યો હતો અને અગાઉ પણ અહીં જ નોકરી કરતો હતો. પધ્ધર પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા સાથે અન્ય આરોપીઓની ભૂમિકા તપાસવા પણ તપાસ ઝડપી બનાવી છે.