ભચાઉમાં ખાદ્ય-અખાદ્ય તેલનો કાળો વેપાર
પર્યાવરણ દુષિત થાય એકરતા માનસિકતા દુષિત થાય એ વધુ જોખમી છે અને આ ભચાઉ શહેરમાં અમુક જણની માનસિકતા એટલી હદે દુષિત થઇ ગઇ છે કે તેઓ વિતેલા થોડા સમયથી જન જીવનના જાહેર આરોગ્ય સાથે રીતસરના ચેડા કરી રહ્યા છે. અત્યંત ગુપ્ત પણે પ્રાપ્ત વિગતો અનુસાર આ નગરમાં હાલ ઓઇલ કંપનીઓને ઉંઠા ભણાવીને ખાદ્ય-અખાદ્ય તેલના મસમોટા જથ્થા સાથે રમત કરાય છે, કંપનીના જવાબદારોને ઉંઘતા રાખીને મેલીમુરાદવાળા તત્વો એ અમુક પરિવહનકારો સાથે સાંઠગાંઠ કરી છે અને 20 ટનનું ઓઇલ ટેન્કર 12 થી 15 ટનનું બતાવીને ઉપલા 5-7 ટનના મસમોટા જથ્થાને તદ્દન કાળાબજારમાં સિફતપૂર્વક મૂકે છે પણ ભૂલ એ થાય છે કે આ તેલમાં ખાદ્ય-અખાદ્યનું પ્રમાણભાન રહેતું નથી અને આવનારા સમયમાં કોઇ મોટી જાનહાની કે રોગચાળા ફેલાય તેવી કલ્પના છે.
ખાદ્યતેલની બ્રાન્ડેડ કંપનીઓના કેરબા, બેનર, સ્ટીકર અને પેકીંગનું કામ આ ઉપરના જથ્થાને અમુક સ્થળોએ સંગ્રહીને ત્યાંથી કરાય છે અને પછી ચૂપચાપ બ્રાન્ડેડ ખાદ્યતેલ તરીકે બજારમાં મૂકી દેવાય છે. મોટાભાગે મિઠાઇ-ફરસાણના વેપારીઓને આ જથ્થો વેંચાય છે, ભાવમાં મોટા તફાવતને ધ્યાનમાં લઇને વેપારી પણ લલચાય છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તો કુંભકર્ણ જેવી ઉંઘ છે જે ઉડતી જ નથી તેથી આ ખાદ્ય-અખાદ્ય તેલની ભેળસેળ મોટી મુશ્કેલી સર્જે તેવી દહેશત જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે.