225 કરોડની કરચોરી કરી, સરકારને ચુનો લગાવનારાઓ પૈકી બે શખ્સો ઝડપાયા
કાસેઝથી ડ્યુટી ચોરી કરીને સોપારીને સ્થાનિક બજારોમાં જ વેંચી મારવાના વર્ષોથી ચાલતા કારસા પર એક મોટી કાર્યવાહી કરીને DRI એ ગાંધીધામથી પંકજ ઠક્કર અને ભાગીદાર મેહુલ કે ધવલ પુજારાની ધરપકડ કરતા ચકચાર મચી ગઇ. બન્નેને ગાંધીધામ કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા, જે આજે પુર્ણ થતા ફરી રજુ કરવામાં આવવાના છે. 1.5 વર્ષના સમયગાળામાં ભજવાયેલું આ આખુ ડ્યુટીચોરી કૌભાંડ 225 કરોડનું હોવાનો અંદાજો હાલ લગાવાઈ રહ્યો છે.
કોમોડીઝીસ સાથે જોડાયેલી આ અત્યાર સુધીની DRIની સૌથી મોટી કાર્યવાહીઓ અને તપાસ માંથી એક ગણાવાઈ રહી છે. કાસેઝમાં આદિત્ય એક્સપોર્ટ યુનિટ દ્વારા સોપારીની છેલ્લા 1.5 વર્ષથી આયાત કરાતી હતી. જે જથ્થો કાસેઝમાં મંગાવવામાં આવતા બોન્ડ ટુ બોંડના આધારે તેના પર ભારતમાં સ્થાનિક બજારમાં વેંચવા કે ઉપયોગ કરવા માટે નિયમાનુસાર લાગતી 100% થી વધુની ડ્યુટીને લગાવાતી ન હતી. સ્પે. ઈકોનોમિક ઝોન એવા કાસેઝમાં તેની આયાત થયા પછી તેને ત્યાંથી સીધી દેશ બહાર એટલે કે બાંગ્લાદેશમાં એક્સપોર્ટ દર્શાવી કન્ટેનરને ઝોનથી બહાર કાઢી લેવાતા હતા.
પરંતુ તે કન્ટેનરો માલ સાથે બાંગ્લાદેશ પહોંચતા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું. કોઇ રીતે બાંગ્લાદેશમાં કાર્ગો આગમનની એંટ્રી થતી, જેમાં ખાલી કંટેનરો જતા કે તેની જગ્યાએ અન્ય કાર્ગો ઘુસાડી દેવાતો હતો. પરંતુ સોપારીનો જથ્થો સ્થાનિક માર્કેટમાં જ વેંચી દેવાયો હતો, જેમાં દિલ્હી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આમ, સરકારની તિજોરીમાં દરેક કંટેનર દીઠ અંદાજે 50 લાખ જેટલાની ડ્યુટી ચોરી આચરવામાં આવતી હોવાની સંભાવના છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવતી વિગતો અનુસાર એક શક્યતા એવી છે એ 1.5 વર્ષમાં 500 જેટલા કન્ટેનરોને આ રીતે બહાર કઢાયા છે અને સરકારની બનતી ડ્યુટી આપ્યા વિના સ્થાનિક બજારોમાં વેંચી દેવાયા છે. જે અનુસાર ગણના કરતા આ રકમ 225 કરોડ થવા જાય છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સના સુત્રોએ જણાવ્યું કે હાલ તપાસ ચાલુ છે, વધુ ઘટસ્ફોટ થવાની સંભાવના છે.
પ્રાથમિક તપાસમાં જોવા મળતા મોટા ષડયંત્રનું સંચાલન કે એ માટેની નાણાકીય જોગવાઇ સ્થાનિક સ્તરેથી થઇ શકે તેવી સંભાવના તજજ્ઞો નકારે છે. આ મોડસ ઓપરેન્ડી પાછળ દુબઈ બેઠેલા કેટલાક આકાઓ અને ગાંધીધામમાં પણ સક્રિય કેટલાક જુના જોગીઓ સામેલ હોવાની ચર્ચા છે. ટુંક સમયમાં લીંકોના આધારે તેમના પર કાર્યવાહી કરાય તેવી સંભાવના છે.
કોઇ પણ ખાધ્ય કે પ્લાંટ સબંધિત સામગ્રી જ્યારે અન્ય દેશમાં આયાત કરાય તો તેના ફુડ સબંધિત લાયન્સન અને ખરાઈ તેમજ પીપઈક્યુ વિભાગ દ્વારા તેમાં દેશને નુકશાન કરે તેવા કોઇ કિટાણુ નથી તેનું ફ્યુગેશન થાય કે નિર્ધારીત થાય તે નિયમ છે. પરંતુ સરકારના ચોપડા બહારજ સ્થાનિક બજારોમાં જતા આ કાર્ગોમાં ડ્યુટી ચોરી સાથે આ નિયમોનું પણ છડેચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યવાહીમાં કુલ ત્રણ વ્યક્તિઓ બે યુનિટના ભાગીદારો અને એક ત્યાં કામ કરતા વ્યક્તિને સમન્સ પાઠવીને નિવેદન માટે બોલાવાયા હતા. પરંતુ આમાની મુખ્ય વ્યક્તિએ બે મહિના પહેલા કોરોના થયો હોવાનું અસ્વસ્થતાનું કારણ આગળ ધરીને થોડા મહિના ટાળ્યા હતા. પરંતુ અંતે સમન્સ ધારી બન્ને ભાગીદારોની ધરપકડ કરાઈ છે, તો એક અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે
ગુજરાતમાં સોપારી માવા માટે જાણીતી છે, તેના બહુઆયામી ઉપયોગ છે. મહતમ સ્વરૂપે આયાત થતી સોપારી લોકલ માર્કેટમાં કિંમત તપાસ કરતા 400 થી 900 ના દર વચ્ચે વેંચાતી હોવાનું સામે આવ્યું હતું. ઈમ્પોર્ટેડ સોપારીના પડતર દર 300 આસપાસ હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. તો જો ભારતમાં જ ઉપયોગ માટે તેની આયાત થતી હોય તો તેના પર 110% ડ્યુટી લગાવવામાં આવે છે.
આમ જે ભાવમાં પડી હોય, એટલો જ ટેક્સ સરકારમાં જમા કરાવવો પડે છે. જેની ચોરી કરીને આ જથ્થો સ્થાનિક બજારમાં કાઢવામાં આવતો હતો.