રૂમાલ ફેરવી NRI મહિલાને બેહોસ કરી બે મહિલાઓએ 9.40 લાખના ઘરેણાં સેરવી લીધા

શહેરમાં કળા કરતી રિક્ષા ગેંગે NRI મહિલાને નિશાન બનાવી પર્સમાં રહેલી રૂ.9.40 લાખના ઘરેણાં સેરવી લીધાની ફરિયાદ નોંધાઇ છે. ઇ-મેલના માધ્યથી કેનેડા રહેતી શિલ્પાબેન ભદ્રેશભાઇ માણેક નામની મહિલાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે પતિ અને પુત્રી સાથે દિવાળીના તહેવાર પર ફરવા માટે મુંબઇ આવ્યા હતા.

પછી કેરળ ફરીને વીરપુર સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે તા.16-10ના રાજકોટ આવ્યા હતા અને કાલાવડ રોડ, હરિપર ગામ પાસે આવેલી નિરાલી રિસોર્ટમાં ઉતર્યા હતા. વીરપુર દર્શન કરીને પરત રાજકોટ આવ્યા પછી અમારે તા.19-10ની રાત્રે મુંબઇ પરત જવાની ટ્રેન હોતી તે દિવસે બપોરે પોતે એકલી સિટીમાં ખરીદી કરવા નીકળી હતી.

હોટેલથી રોડ પર આવી એક રિક્ષાને ઊભી રાખી હતી. જે રિક્ષામાં અગાઉથી બે મહિલા મોઢે રૂમાલ બાંધેલી બેઠી હતી. રિક્ષામાં બેસ્યા પછી ચાલકને પરા બજાર જવું હોવાની વાત કરતા તેને આગળથી બીજી રિક્ષામાં જવું પડશે તેમ કહ્યું હતું. ત્યાર પછી બાજુમાં બેઠેલી મહિલાએ તેના હાથમાં રહેલો રૂમાલ ફેરવવા લાગી હતી. જેને કારણે તે બેહોસ જેવી થઇ ગઇ હતી.

થોડી વાર પછી રિક્ષા ચાલકે તમારું સ્ટોપ આવી ગયું તેમ સંભળાતા પોતે અર્ધ બેભાન જેવી હાલતમાં રિક્ષામાંથી ઉતરી પર્સના સાઇડના પોકેટમાંથી ભાડાના પૈસા આપ્યા હતા. પછી પરા બજાર જવા માટે અન્ય રિક્ષા કરી પોતે ત્યાં પહોંચી હતી.

જ્યાં ભાડાના પૈસા દેવા પર્સ ખોલતા અંદર રાખેલી ઘડિયાળ, રિયલ ડાયમંડની રિંગ, કાનની બૂટી, પેન્ડલ, મંગળસૂત્ર, બ્રેસલેટ, ચેઇન મળી કુલ રૂ.9.40 લાખની કિંમતના સોનાના ઘરેણાં જોવા મળ્યા ન હતા. જેથી પોતે તુરંત રિક્ષા કરી તાલુકા પોલીસ મથક જઇ બનાવની લેખિતમાં જાણ કરી હતી. રાત્રે મુંબઇ જવાની ટ્રેન હોતી પોલીસમાં જાણ કરી પોતે હોટેલ આવી બનાવની પતિને વાત કરી હતી.

પછી રાત્રે મુંબઇ જવા નીકળી ગયા હતા અને મુંબઇથી બીજા દિવસે પરત કેનેડા ફર્યા હતા. રાજકોટમાં ઉતાવળ હોવાને કારણે માત્ર લેખિત જાણ કરી હોતી કેનેડા પહોંચીને ઇ-મેલથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. NRI મહિલાની ફરિયાદ નોંધી તાલુકા પોલીસ મથકના PI એમ.આર.ગોંડલિયાએ તપાસ હાથ ધરી છે.