રાપર સરહદેથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોરને પાંચ વર્ષ કેદની સજા ફટકારાઇ
copy image
રાપરની રણ સરહદ પરથી વર્ષ-2018 માં પીલર નંબર 995 પાસેથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોરને ભચાઉની કોર્ટે 5 વર્ષની સાદી કેદની સજા અને રૂ.5,000 નો દંડ ફટકાર્યો. પાકિસ્તાનના સિંધના અલ્હર, ટંડો ગામનો 30 વર્ષિય જીવણ પ્રભુ વડેચા (કોલી) નામનો યુવક 16/09/2018ના રોજ પરોઢે 4 વાગ્યાના સમયગાળામાં કુડા પાસે બોર્ડર પીલર નંબર 995 પાસે બીએસએફના જવાનોના હાથે પકડાઈ ગયો હતો. ઝડપાયેલા જીવણ પાસેથી મોબાઈલ ફોન અને 1 રૂપિયાના દરની ૫૦ પાકિસ્તાની ચલણી નોટ, ઊર્દૂમાં લખેલી ધાર્મિક પત્રિકા તથા ઊર્દૂમાં લખેલું ઓળખપત્ર મળી આવ્યું હતું.
બોર્ડર સિક્યોરીટી ફોર્સે તેને પકડી લઈ બાલાસર પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. બાલાસર પોલીસે જીવણ વિરુદ્ધ પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની ધારાઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં આજે ભચાઉના બીજા અધિક સેશન્સ જજ પી.ટી. પટેલે જીવણને ફોરેનર્સ એક્ટની કલમ 14 A હેઠળ દોષી ગણાવી પાંચ વર્ષની સાદી કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈન્ડિયન પાસપોર્ટ રૂલ્સની કલમ ૩ના ભંગ બદલ ૩ માસની સાદી કેદ ફટકારવામાં આવી છે.આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ દલીલો કરીને તહોમત પૂરવાર કરી સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.