વિદેશી દારૂના મોટા જથ્થાના ગુનાઓમાં પકડાયેલ કુલે-6 આરોપીઓની પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ

copy image

પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુલ 6 બુટલેગરોને એક સાથે પાસા તળે જુદી જુદી જેલ હવાલને કરવામાં આવ્યા હતા. એક સાથે છ જણાને પાસામાં ધકેલવામાં આવ્યા હોવાની પૂર્વ કચ્છની સંભવ: આ પ્રથમ ઘટના છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ દારૂની અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના અનુસાર દારૂના મોટા જથ્થા ઝડપાયા હોય તેવા બુટલેગરોની પાસાની દરખાસ્ત તૈયાર કરી કચ્છ કલેક્ટરને મોકલવામાં આવી હતી.

આ દરખાસ્ત કલેક્ટર દિલીપ રાણાએ મંજુર કરી પાસા વોરંટો ઇશ્યુ કરતાં અંજારના મોટી ખેડોઇના જગતસિંહ આશુભા જાડેજાને લાજપોર જેલ સુરત, મોટી ખેડોઇના પ્રવિણસિંહ દોલુભા જાડેજાને ભાવનગર મધ્યસ્થ જેલ, રાપરના કિડીયાનગરના રમેશસિંહ ઉર્ફે રમેશ વેલાભાઇ ઝાલાને લાજપોર જેલ સુરત, રાપરના નલિયા ટીંબાના નટવર અજાભાઇ ગોહિલને વડોદરા મધ્યસ્થ જેલ, નલિયા ટીંબાના પ્રવિણ બાબુભાઇ મકવાણાને અમદાવાદ મધ્યસ્થ જેલ તેમજ નલિયા ટીંબાના જ ઘનશ્યામ કુંભાભાઇ ઝાલાને ભાવનગર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં એલસીબી પીઆઇ જાડેજા સાથે પીએસઆઇ એસ.એસ.વરૂ,વી.આર.પટેલ, અંજાર પીઆઇ એસ.ડી.સિસોદિયા , ગાગોદર તથા આડેસર પોલીસ મથકની ટીમ જોડાઇ હતી.