જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાતી પગલું ભર્યું

જામનગર શહેરમાં વ્યાજખોર ની ચંગુલમાં ફસાયેલા એક યુવાને આત્મહત્યાનું પગલું ભરતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.

મળતી માહિતી અનુસાર જામનગરમાં બચુનગર વિસ્તારમાં રહેતા ગફાર ગનીભાઈ ગજીયા નામના એક યુવાને સવારે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયત્ન કરતાં તેને તાત્કાલિક અસરથી બેહોશ અવસ્થામાં સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે અને તપાસનો દોર શરૂ કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન અકબર તાલબ ગાધ નામના એક વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ ગયા બાદ ગફારભાઈ એ આપઘાતનું પગલું ભરવાનો પ્રયત્ન કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસ દ્વારા અકબર ગાધ નામના ઈસમની શોધખોળ શરૂ કરાઇ છે.