દેવળીયા ગામમાં વીજપોલ વળી જતાં ખુલ્લા વાયરો જમીન પર પડ્યા: સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

લખતર તાલુકાનાં દેવળીયા ગામમાં પાણીનાં પંપ પાસેની એક જગ્યામાં વીજપોલ ઉપરથી વળી જતાં ખુલ્લા વાયરો જમીન ઉપર પડ્યા આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. લખતર પંથકમાં તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં અમુક તંત્ર દ્વારા અરજદારોની રજૂઆતોને ધ્યાને લેવામાં ન આવતી.

એક વાડાની ઉપરથી વીજલાઈન પસાર થતી હતી. જે વીજવાયરો દૂર કરવા અરજદાર દ્વારા પીજીવીસીએલમાં લેખિત અરજી સહિત રજૂઆતો કરાઈ હતી. પરંતુ તંત્ર દ્વારા રજૂઆતોને ધ્યાને ન લેવામાં આવતા એક ગંભીર ઘટના સર્જાઈ હતી.

મળતી વિગતો અનુસાર દેવળીયા ગામમાં એક વીજપોલ કોઈ કારણોસર ઉપરની બાજુએથી જર્જરિત થતાં વળી ગયો હતો. જેથી જીવતા વાયરો વાડામાં પડ્યા સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે તંત્ર આવી રજૂઆતો ઉપર તાત્કાલિક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે. આ બનાવની જાણ પીજીવીસીએલ કચેરીને થતા કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી મરામત કરાઈ હતી.