વાસંદાના ધાકમાળ પાસે રાત્રે બાઈક ઝાડ સાથે ટક્કરાતા ડાંગના બે યુવકના મોત નિપજ્યાં

વાંસદા તાલુકાના ધાકમાળ ગામ નજીક ડાંગના બારખાંદીયા ગામના ત્રણ યુવાનો બાઈક ઉપર માવલીદેવ કામ માટે આવ્યા હતા અને કામ પતાવીને જતા હતા એ સમય દરમિયાન ધાકમાળ નજીક બાઈક ઝાડ સાથે ટક્કરાતા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય સવાર બે જણાંને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ લઈ જતા એકનું સારવાર દરમિયાન વલસાડમાં મૃત્યુ થયું હતું ધાકમાળ ગામમાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બારખાંદીયા ગામે રહેતો રવિ હરિદાસ પાલવે (ઉ.વ. 17)એ રાત્રે તેના બે મિત્રો યોગેશ રામચંદ્ર ભોયે અને રાહુલ જગુભાઈ તુંમડા (બન્ને રહે. બારખાંદીયા, તા.વઘઈ) સાથે બાઈક (નં. જીજે-30-સી-504) ઉપર આ માવલીદેવ કામ માટે આવ્યા હતા. જ્યાંથી તેના મિત્ર સાથે વાત કરીને કહ્યું હતું કે અમે થોડીકવાર પછી આવીએ છીએ તેમ કહીંને વાંસદા તરફ નીકળ્યાં હતા.

એ દરમિયાન ધાકમાળ ગામ નજીક આવેલા ગુલમહોરના વૃક્ષ સાથે બાઇક ટક્કરઈ ગઈ હતી. જેથી બાઈકચાલક રવી હરિદાસ પાલવે સહિત ત્રણેય રોડ પર પટકાતા ઈજા થઈ  હતી. જેમાં બાઈક ચાલક રવિ પાલવેનું ગંભીર ઈજાથી ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે 108 એમ્બ્યુલન્સમાં યોગેશ ભોયે અને રાહુલ તુમડાને બેભાન હાલતમાં પ્રથમ વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં રાહુલ તુમડાનું પણ મોત થયું હતું.