ગાંધીનગરનાં ચંદ્રાલા નાકા પોઈન્ટ પર પોલીસે રિક્ષામાંથી દારૂની બોટલો સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા
ગાંધીનગરના ચંદ્રાલા આગમન હોટલ પાસેના નાકા પોઈન્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન ચીલોડા પોલીસે સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂની 24 બોટલો સાથે બે શખ્સોની અટકાયત કરી કુલ રૂ. 1 લાખ 8 હજારનો મુદામાલ કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમમાં આવેલ આગમન હોટલ સામે હિમતનગર તરફથી આવતા હાઇવે રોડ ઉપર ચીલોડા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી તે સમય દરમ્યાન હિંમતનગર તરફથી એક સીએનજી રીક્ષા આવતા તેને અટકાવતાં બે રીક્ષા ચાલક સહિત બે શખ્સ સવાર હતા. પોલીસને રીક્ષાની પાછળની સીટ નીચેથી વિદેશી દારૂની 24 બોટલો મળી હતી.
આ અંગે શખ્સોની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ દિપકકુમાર રાજવીર દિવાકર (રહે. મહાકાલી મંદીર પાસે બાલાજી કીરાણા સ્ટોર્સ સામે ચંદનગર લીમડા બસ સ્ટેન્ડ પાસે મેઘાણીનગર) તથા’ ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદભાઇ પરમાર (રહે.પ્લોટ નં.103 ખોડીયારનગર-3 વૈશાલી સ્કુલ સામે નોબલનગર) હોવાનું જણાવ્યું હતું. જોકે દારૂની બોટલો અંગે તેઓ સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે બંનેની અટકાયત કરી કુલ રૂ. 1 લાખ 8 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.