માંડવીના રતાડિયામાં કંપનીની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી કર્મચારીઓ પાસે 15 લાખ માંગનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

માંડવીના રતાડીયા ગામમાં અદાણી કંપનીની ખાનગી જમીન પર માથા ભારે ઇસમે ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હતો. કંપનીની માલિકીની ચાર એકર જમીન પર હક્ક જમાવી કર્મચારીઓ પાસે રૂપિયા 15 લાખની માંગણી કરાઈ હતી. કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા કંપનીના મેનેજરે રતાડીયા ગામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

માંડવી તાલુકાના રતાડીયા ગામમાં અદાણી કંપનીની જમીન પર ગામના જ ઈસમ સહદેવસિંહ જાડેજાએ ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હતો.કંપનીના મેનેજર ભાવેશભાઈ ગીરજાશંકર દવેએ ફરિયાદમાં જણાવ્યું કે રતાડીયા ગામમાં આવેલ સર્વે નંબર 253 પૈકી 1 વાડી ચાર એકર જમીન ગામના બારોટ ગોવિંદ ઉર્ફે પુનશીભારૂભાઈ ના પવારદાર દક્ષેશ વાસુદેવ દવે પાસેથી ખરીદી હતી.જેને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરવા પ્રોસેસમાં મુકાઇ હતી. એક મહિના પૂર્વે કંપનીના કામદારો પવનચક્કી નાખવાના કામ અર્થે ગયા હતા. તે દરમિયાન મોટારતાડીયા ગામના સહદેવસિંહ જાડેજાએ આ જમીન પર અમારા વડીલોનું હક્ક છે તેવું કહી કામ બંધ કરાવ્યૂ હતું.

ત્યાર પછી કંપની દ્વારા જમીનના દસ્તાવેજ અને જરૂરી કાગળો દેખાડીને આરોપીને અવારનવાર સમજાવવાનું પ્રયાશ કરાયું હતું. છતા પણ કંપનીના કર્મચારીઓને કામ ન કરવા દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 15 લાખની માંગણી કરી હતી. આથી કંપનીના મેનેજરે ગઢશીશા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.