કચ્છ યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં 35 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા સ્કવોર્ડના હાથે ઝડપાયા

કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કામાં સેમેસ્ટર ત્રણ અને પાંચની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 16 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો આ પરીક્ષામાં 35 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા સ્કવોર્ડના હાથે ઝડપાઇ ગયા છે.
મળતી માહિતી અનુસાર પરીક્ષા દરમિયાન યુનિવર્સિટીની ખાસ સ્કવોર્ડ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતું હોય છે. આ ચેકિંગ દરમિયાન રોજ બે થી ત્રણ વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. પરીક્ષા પૂરી થતા કોલેજો તરફથી પોતાનો અહેવાલ યુનિવર્સિટીમાં આપવામાં આવ્યો હતો. જેના આધારે અત્યાર સુધી 35 જેટલા વિદ્યાર્થીઓએ પ્રથમ પરીક્ષામાં કોપી કરી હોવાનું બહાર આવ્યું છે.
આ ઝડપાયેલા વિદ્યાર્થીઓની પુરવણી હાલ પરીક્ષા વિભાગમાં રખાઈ છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ચિઠ્ઠી લખીને કે પછી આજુબાજુમાંથી જોઈને કોપી કરતા હોય છે પરંતુ ત્રણ વિદ્યાર્થીઓ તો એવા નીકળ્યા કે, તેઓ મોબાઇલ લઈને ક્લાસરૂમમાં ગયા અને કોપી કરતા હતા. જે અત્યંત ગંભીર બાબત કહી શકાય.
આ બાબતે પરીક્ષા નિયામક તેજલ શેઠે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની પરીક્ષામાં અત્યાર સુધી 35 જેટલા વિદ્યાર્થીઓએ કોપી કરી હોવાનું બહાર આવ્યું છે. જેથી આ વિદ્યાર્થીઓના રજિસ્ટર્ડ સરનામા પર પત્ર લખીને તેમનો ખુલાસો લેખિતમાં માંગવામાં આવશે.જે મળ્યા પછી રૂબરૂ બોલાવવામાં આવશે તથા કમિટી સમક્ષ નિવેદન નોંધ્યા પછી ઇસીની બેઠકમાં ફેસલો લઇને સજા આપવામાં આવશે. સજામાં વિદ્યાર્થીને પરિક્ષાથી દુર રાખવામાં આવે છે, જેમાં મહત્તમ બે વર્ષ સુધી છાત્રને પરીક્ષાથી દૂર રાખવાની જોગવાઈ છે.