મુંબઇથી વડોદરા લક્ઝરી બસમાં આવેલા દારૂના પાર્સલને કારમાં લઇ જતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

મુંબઇથી વડોદરા લક્ઝરી બસમાં આવેલા દારૂના પાર્સલને કારમાં લઇ જતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

copy image

મુંબઇથી વડોદરા શ્રીનાથજી ટ્રાવેલ્સમાં આવેલા દારૂનો જથ્થો સ્વિફ્ટ કારમાં પાર્સલની આડમાં લઇ જવામાં આવતો હતો. પોલીસે દારૂ સાથે એકની અટકાયત કરી હતી. દારૂનો આ જથ્થો મુંબઇના ઇસમે પાદરાના અશ્વિનને મોકલ્યો હોવાનું બહાર આવ્યું છે. જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન.પટેલ તથા સ્ટાફને બાતમી મળી હતી કે, મુજમહુડા સર્કલથી સ્વિફટ કારમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે.

જેથી પીઆઈની સૂચના અનુસાર બાતમી વાળી જગ્યા પર સ્ટાફના માણસો સાથે રોકડનાથ હનુમાન મંદિર નજીક રોડ પર વોચમાં હતા તે દરમિયાન બાતમી અનુસાર નંબર વાળી સ્વીફટ કાર આવતા તેને અટકાવી હતી. કારની પાછળના ભાગ પર બે પાર્સલ પડ્યા હતા. પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની 30 નંગ બોટલો મળી હતી અને આ બોક્સ પાર્સલ મુંબઇ મધ્યેથી મોકલવામાં આવ્યું હતું.

કાર ચલાવતાં અશ્વીન જનસારીની અંગઝડતી કરતા તેની પાસેથી 3 હજાર અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તેણે કબૂલાત કરી હતી કે આ દારુનો જથ્થો મુંબઇ મધ્યે રહેતા મુકેશ (મુંબઇ યુનિટ નં. 114 ગુરુગોવિંદસિંહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ મુંબઇ ખાતે) એ મોબાઇલ ફોન મારફતે પાર્સલ પેક કરાવી મુંબઇથી શ્રીનાથજી ટ્રાવેલ્સની ઓફીસ મધ્યેથી વડોદરા પંડયા બ્રીજ ખાતે શ્રીનાથજી ટ્રાવેલ્સની ઓફીસે મોકલ્યો હતો. જે દારૂનો જથ્થો મે પંડ્યા બ્રિજ મધ્યે આવેલી ટ્રાવેલ્સની ઓફીસથી મિત્રની સ્વીફટ ગાડીમાં લેવા માટે ગયો હતો.

પોલીસે પકડાયેલા શખ્સની અશ્વીન ઉર્ફે ગંગી ચંદુલાલ જનસારી (રહે, પાદરા, ગાયજ)ને દારુનો જથ્થો તથા કાર સાથે કુલ 3.32 લાખના મુદ્દમાલ સાથે પકડી લીધો હતો. મુંબઇ મધ્યે રહેતા અને દારુનો જથ્થો મોકલનાર મુકેશને પણ પકડી પાડી આગળની તપાસ હાથ ઘરી છે.