તો હવે સયાજીનગરી ટ્રેનનો એટેન્ડન્ટ વિદેશી દારૂની 4 બોટલ સાથે પકડાયો

આજે ગાંધીધામ સ્ટેશને પહોંચેલી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા એટેન્ડન્ટને રેલ્વે પોલીસે વિદેશી દારૂની ચાર બોટલો સાથે પકડી પાડી તેના સામે ગુનો દાખલ કરાયો હતો.

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે 5:50 વાગ્યાના સમયગાળામાં ગાંધીધામના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી રહેલા પેસેન્જરો ઉપર પેટ્રોલિંગ દરમિયાન ટીમ વોચમાં હતી તે સમય દરમિયાન ટ્રેનમાંથી ઉતરેલો એક શખ્સ ભચાઉ તરફની સીડી બાજુમાંથી સ્ટેશનની બહાર જતો હતો તેના પર શંકા જતાં તેને અટકાવી તેની પાસે રહેલી બેગ ચકાસતા તેમાંથી રૂ.1,400 ની કિંમતના વિદેશી દારૂની 4 બોટલો મળી આવી હતી.

આધાર પુરાવા વિનાની આ બોટલો અંગે પુછતાછ કરવામાં આવતા તે ભુજના સરપટનાકા મસ્જિદ સામે રહેતો શાહિલ જાકબભાઇ બાફણ હોવાનું જણાવી પોતે સયાજીનગરી એક્સપ્રેસમાં કોચ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.