મુંદરા બંદરે ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ- 77 કરોડનાં સોંદર્ય પ્રસાધન જપ્ત

copy image

મુન્દ્રા બંદરેથી ડિરેકટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડી.આર.આઈ.) દ્વારા કરોડોની કિંમતની બ્રાન્ડેડ કોસ્મેટિક વસ્તુઓનો જથ્થો જપ્ત કરી વધુ એક ડયૂટીચોરી અને મિસ ડિકલેરેશનના કારસાને નાકામ બનાવવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર મુંદરા બંદરે અદાણી પોર્ટ, સેઝ મધ્યે આયાત કરાયેલું કન્ટેનરને અટકાવીને તપાસ કરાઈ હતી. આયાત કરાયેલા કન્ટેનરમાં મિસ ડિકલેરેશન કરાયું હોવાનું અને કન્ટેનરમાં પ્રતિબંધિત વસ્તુ હોવાની બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કન્ટેનરમાં વેન્ટી કેસના 773 પેકેટ હોવાનું જાહેર કરાયું હતું. કન્ટેનરની તપાસમાં આગળના ભાગમાં જાહેર કરાયેલો માલ હતો, પરંતુ તેની પાછળ પ્રતિબંધિત કોસ્મેટિકની વસ્તુઓ નીકળતા તંત્ર ચોકી ગયું હતું. જાહેર કરાયેલા માલની પાછળ મેકઅપ ફાઉન્ડેશન જેવા વિવિધ સૌંદર્યપ્રસાધનો મળ્યા હતાં. મેક, નાર્સ, લોરીયલ, લૌરા મર્સીયર, મેબેલાઈન, અને મેટ્રીકસના લીપગ્લોસ, હેર કન્ડીશનર, લિક્વિડ અકલાઈનર, બ્યુટી ઓઈલ, અને ક્રીમ સહિતની વસ્તુઓ મળી આવી હતી. આ તપાસ દરમ્યાન આયાતાકાર પાર્ટી દ્વારા કસ્ટમ અકેટના નિયમોનું ઉલ્લંઘન કરતો માલસામાન ઘુસાડવાનો કારસો રચવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા બ્રાન્ડેડ કોસ્મેટિકની કિંમત રૂા. 77 કરોડ આંકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંદરા બંદરેથી પૂર્વે પણ લાલચંદન, ઈ-સિગારેટ, ચાઈનીઝ વસ્તુઓ સહિતની પ્રતિબંધિત વસ્તુઓને પકડી પાડી દેશની તિજોરીને નુકસાન કરવાના કારસા વખતોવખત બહાર આવી રહ્યા છે.