નાના કપાયામાં ચોરીના ઇરાદે આવેલા ઇસમોએ છરી વડે ઘાતક હુમલો કર્યો

મુંદરાની ભાગોળે આવેલા નાના કપાયા ગામે ચોરીના ઇરાદે પરપ્રાંતીય શ્રમજીવીના ઘરમાં ઘૂસેલા બે ઇસમે મકાનમાલિકે જાગીને પ્રતિકાર કરતાં તેના ઉપર છરી વડે ઘાતક હુમલો કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. નાના કપાયા ગામે રહેતા મૂળ બિહારના છપરા જિલ્લાના સીલોરા ગામના વતની જયપ્રકાશ સુધીષ યાદવ(ઉ.વ.36)ના રહેણાક મકાનમાં શુક્રવારની ગત રાત્રે બે ઈસમ ચોરીના ઇરાદે ઘૂસ્યા હતા તથા તેમણે આ હિંસક બનાવને અંજામ આપ્યો હતો. પોલીસે ફરિયાદને ટાંકી આ માહિતી આપતા જણાવ્યું હતું કે બંને આરોપી ઘરમાં પડેલો થેલો તફડાવ્યો હતો. આ થેલો લઈને તેઓ ભાગી રહ્યા હતા ત્યારે મકાનમાલિક જયપ્રકાશ યાદવ જાગી જતાં તેણે બન્નેને પડકારી થેલો ઝૂટવી લેવાની કોશિષ કરી હતી. જેના કારણે બંને આરોપી પૈકીના એક જાણે છરી વડે જયપ્રકાશની પીઠમાં પાંચથી છ ઘા માર્યા હતા. તે પછી થેલો ત્યાં જ મૂકીને આરોપી નાસી છૂટયા હતા. મુંદરા પોલીસે ચોરીની કોશિષ સહિતની કલમો તળે ગુનો નોંધી આરોપીઓને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ફોજદાર એન.એચ.ચુડાસમાએ કાર્યવાહી હાથ ધરી છે.